
12 વર્ષ સુધી એર હોસ્ટેસ તરીકે કામ કરનારી ઝિયાઓ ચેનની પ્રેરણાદાયી કહાની સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. ગ્લેમરસ જોબ છોડીને પરિવારના કરચલા (Crab) વેચવાના બિઝનેસ સાથે જોડાયેલી ચેને દરરોજ 14 લાખ રૂપિયાની કમાણી કરવાનો અસાધારણ રેકોર્ડ બનાવ્યો છે.
શું તમે ક્યારેય વિચારી શકો કે કોઈ એર હોસ્ટેસ કરચલા વેચવા માટે પોતાની વૈભવી નોકરી છોડી દે? સાંભળવામાં કદાચ અજીબ લાગે, પરંતુ ચીનની ઝિયાઓ ચેને આવો જ એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો અને આજે તે આ વ્યવસાયમાંથી દરરોજ લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.
એર હોસ્ટેસ બનવું એ લાખો યુવાનોનું સ્વપ્ન હોય છે. ચેને પણ પૂરા 12 વર્ષ સુધી આ ક્ષેત્રમાં સેવા આપી અને વિશ્વભરમાં પ્રવાસ કરવાની તક મેળવી. પરંતુ જ્યારે તેણે જોયું કે તેના વતન નિંગબોમાં તેની માતાનો કરચલા વેચવાનો વ્યવસાય ખૂબ વિસ્તરી રહ્યો છે અને પરિવારને તેની મદદની તાતી જરૂર છે, ત્યારે તેણે ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર પોતાની આકર્ષક નોકરી છોડી દીધી.
Vietnam.vn ના અહેવાલ મુજબ, ચેને એર હોસ્ટેસ તરીકે લોકો સાથે વાતચીત કરવાની પોતાની કુશળતાનો ઉપયોગ આ નવા બિઝનેસમાં કર્યો. તેણે સોશિયલ મીડિયા પર નાના-નાના રસપ્રદ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ વીડિયોમાં તેણે તળાવમાંથી ઉત્તમ ગુણવત્તાના કરચલા પસંદ કરવાથી લઈને તેને પેકિંગ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા આકર્ષક રીતે દર્શાવી. એક સમયે સુંદર યુનિફોર્મ પહેરીને વિમાનમાં ફરતી ચેન હવે તળાવો પાસે કરચલા પકડતી અને ઓર્ડર પેક કરતી જોવા મળી. તેની સાદગી અને મહેનત લોકોને એટલી પસંદ આવી કે તેનો સ્થાનિક બિઝનેસ જોતજોતામાં દેશભરમાં ફેલાઈ ગયો.
ચીનના પ્રસિદ્ધ ‘મિડ-ઓટમ ફેસ્ટિવલ’ (મધ્ય શરદ ઉત્સવ) દરમિયાન કરચલાની માંગ આકાશે આંબી જાય છે, કારણ કે લોકો તેને ભેટ તરીકે આપે છે. આ સીઝનમાં ચેનના બિઝનેસે વેચાણના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા. અહેવાલ અનુસાર, તહેવારના દિવસોમાં તેનું દૈનિક વેચાણ 1 લાખ યુઆનથી વધુ થઈ ગયું, જે ભારતીય ચલણમાં આશરે ₹14.45 લાખ જેટલું થાય છે.
માંગ વધારે હોવા છતાં અને જંગી નફો થતો હોવા છતાં સારા સ્ટોકની અછત જેવી સમસ્યાઓ પણ સામે આવી. પરંતુ નફાની લાલચમાં ક્વોલિટી સાથે બાંધછોડ કરવાને બદલે ચેને સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી ઉચ્ચ ગુણવત્તાવાળો માલ નહીં મળે ત્યાં સુધી તે મર્યાદિત ઓર્ડર જ સ્વીકારશે. તેનો આ નિર્ણય સાબિત કરે છે કે ગ્રાહકનો વિશ્વાસ જ કોઈપણ વેપારની ખરી મૂડી છે.