પંજાબના ફિરોઝપુર પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સુરક્ષામાં ચૂક (Security Breach)ને લઈને દેશ અને દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિએ પંજાબના ડીજીપી એસ ચટ્ટોપાધ્યાય સહિત 12થી વધુ અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે. ભૂતકાળમાં તમામ સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં દેશે પોતાના બે વડાપ્રધાન ગુમાવ્યા છે.
દેશના વડાપ્રધાન હતા ત્યારે રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીની હત્યા થઈ છે, તેથી આ મામલાને પણ ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિની આ માત્ર એક ઘટના નથી. આવી ભૂતકાળમાં પણ ઘટનાઓ બની છે.
70ના દાયકામાં એક જાહેરસભા માટે ઓડિશા ગયેલા ઈન્દિરા ગાંધી પર પણ બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. 2006માં જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા, ત્યારે પણ કેરળના તિરુવનંતપુરમમાં સુરક્ષામાં ખામી જોવા મળી હતી.
એક વખત પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સુરક્ષા માટે SPGએ ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. પત્રકાર રમેશ પરિડાએ પણ આ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. ચાલો જાણીએ આવી જ કેટલીક મોટી ઘટનાઓ વિશે.
વાત છે 1967ની ચૂંટણીની તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દેશભરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. તે દિવસોમાં દેશના દૂરના વિસ્તારોમાં પણ જતા હતા. તેમનું ભાષણ સાંભળવા લાખો લોકો આવતા હતા. આ ક્રમમાં એકવાર તેઓ ઓડિશાની રાજધાની ભુવનેશ્વર ગયા, જ્યાં તેમની રેલી યોજાવાની હતી. રેલીમાં પહોંચેલા લોકોની ભીડમાં કેટલાક બદમાશો પણ સામેલ હતા. ઈન્દિરા ગાંધી ભાષણ આપી રહ્યા હતા, ત્યારે બદમાશોએ સ્ટેજ તરફ પથ્થરમારો શરૂ કર્યો હતો.
ગલગોટિયાસ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મીડિયા સ્ટડીઝના શિક્ષક ડૉ. ભવાની શંકર કહે છે કે ઈન્દિરા ગાંધી પર પણ ઈંટ ફેંકવામાં આવી હતી, જે સીધી તેમના નાક પર આવી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. ઈન્દિરા અટક્યા નહીં, તેઓ નાકમાંથી વહેતા લોહીને રૂમાલ વડે દબાવીને ભાષણ આપતા રહ્યા.
ભુવનેશ્વર બાદ કોલકાતામાં રેલી હતી. ઈન્દિરા પણ ત્યાં ગયા અને જનસભાને સંબોધી. જોકે, બાદમાં તેમના નાકનું ઓપરેશન કરવું પડ્યું હતું. આ દરમિયાન લોકોમાં એવી વાત પણ ફેલાઈ હતી કે ઈન્દિરા ગાંધીએ તેમના નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. જોકે તે સાચું ન હતું.
ફિરોઝપુરની ઘટનામાં સદનસીબે સ્થિતિ વધુ બગડી ન હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં લાગેલા એસપીજી જવાનોને હવામાં ગોળીબાર પણ કરવો પડ્યો ન હતો. ડો. ભવાની જણાવે છે કે વર્ષ 2000માં તો એકવાર પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સુરક્ષાને જોતા એસપીજીના જવાનોએ ફાયરિંગ કરવું પડ્યું હતું. એક ગોળી વિદ્યાર્થીને વાગી અને તેનું મોત થયું. આ પ્રકારની એક માત્ર ઘટના છે.
તારીખ 25 જાન્યુઆરી, 2000ના રોજ પૂર્વ વડાપ્રધાનોને પણ લાંબા સમય સુધી SPG સુરક્ષા મળતી હતી. સુધારા પછી પૂર્વ પીએમને એસપીજી સુરક્ષાનો સમયગાળો ફક્ત એક વર્ષ સુધી મર્યાદિત કરવામાં આવ્યો હતો. પૂર્વ પીએમ ચંદ્રશેખર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના સઆદત સ્ટેશન પર રોકાઈ હતી. વિદ્યાર્થીઓએ બળજબરીથી તેમના ડબ્બામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.
ચંદ્રશેખરની સુરક્ષામાં લાગેલા સૈનિકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિદ્યાર્થીઓ માનવા તૈયાર ન હતા. આ દરમિયાન સુરક્ષા સ્થિતિ કથળી અને અફરાતફરી મચી ગઈ. વિદ્યાર્થીઓની ભીડ બેકાબૂ થવા લાગી ત્યારે SPGએ ગોળીબાર કરવો પડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીને ગોળી વાગી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થી ઘાયલ થયા હતા. જે વિદ્યાર્થીને ગોળી વાગી હતી તેનું મોત થયું. એક વખત વડાપ્રધાન હતા ત્યારે પણ બિહાર જતા ચંદ્રશેખરના કાફલા પર પથ્થરમારો થયો હતો.
આ પણ વાંચો: આ વ્યક્તિ લખવા જઈ રહ્યા છે રતન ટાટાની બાયોગ્રાફી, પુસ્તકથી ખુલશે અનેક રહસ્યો!
આ પણ વાંચો: Viral Video: મહિલા પર થૂંક્યા બાદ જાવેદ હબીબે માંગી માફી, જાણો શું કહ્યું