સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વિશાળ હમ્પબેક વ્હેલ (Humpback whale)નાની હોડી પર કૂદતી જોવા મળી રહી છે. સદનસીબે, બોટ પરના તમામ લોકો સુરક્ષિત છે, ત્યારે આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં આ ભયાનક ઘટના બની છે. કેમેરામાં કેદ થયેલો આ ભયાનક દ્રશ્ય હવે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ (Shocking Video Viral)થઈ રહ્યો છે. વાયરલ ક્લિપમાં વિશાળકાય વ્હેલ બોટ પર કૂદકો મારતી જોઈ શકાય છે. તેના અહેવાલમાં, એનબીસી ન્યૂઝે હાર્બરમાસ્ટર ચાડ હન્ટરને ટાંકીને જણાવ્યું હતું કે આ ઘટના પ્લાયમાઉથના વ્હાઇટ હોર્સ બીચ પર સવારે 10 વાગ્યે બની હતી.
ચાડ હન્ટરના જણાવ્યા અનુસાર બોટમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. જોકે, અકસ્માત બાદ સૌ કોઈ ચોંકી ગયા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણી નાની બોટમાં સવાર પ્રવાસીઓ સમુદ્રની સુંદરતાનો આનંદ માણી રહ્યા છે. ત્યારે અચાનક જ એક વિશાળકાય વ્હેલ પાણીના ઊંડાણમાંથી બહાર આવી અને 19 ફૂટની બોટની ટોચ પર કૂદી પડી. સદનસીબે, બોટ પાણીની નીચે ગઈ ન હતી, અન્યથા મોટી દુર્ઘટના થઈ શકી હોત.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર viralhog દ્વારા શેર કરવામાં આવ્યો છે. થોડા કલાકો પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ત્યારે ઘણા લોકોએ આના પર પોત-પોતાની પ્રતિક્રિયા નોંધાવી છે. જો કે વીડિયો જોયા બાદ બધા ચોંકી ગયા છે. કેટલાક વપરાશકર્તાઓ કહે છે કે જો તમે વ્હેલના વિસ્તારમાં જશો, તો તે તમારી સાથે ઘુસણખોર તરીકે વર્તે છે.
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘બધે બોટ કેમ છે? ફક્ત તમારી રુચિઓ વિશે વિચારશો નહીં. વન્યજીવોને પણ માન આપો. આશા છે કે વ્હેલને ઈજા નથી થઈ.’ ત્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે, ‘આ સીન જોયા બાદ જ મારો ગભરાટ વધી ગયો છે.’અન્ય એક યુઝરે બોટમાં બેઠેલા લોકોની ચિંતા કરતા લખ્યું, ‘આશા છે કે તેઓ બધા સલામત હશે. ‘ એકંદરે આ વીડિયો જોયા પછી લોકો ચોંકી ગયા છે.