
મેમરી ચિપની કિંમતમાં ઝડપી વધારાને કારણે મોટાભાગની કંપનીઓના મોંઘા અને એડવાન્સ સ્માર્ટફોનની કિંમતો આ વર્ષના અંત સુધીમાં 30 ટકાથી વધુ વધીને એક લાખ રૂપિયાને પાર પહોંચી શકે છે. બજાર સંશોધન કંપની કાઉન્ટરપોઈન્ટે શુક્રવારે 20 નવેમ્બરને રોજ આ અનુમાન વ્યક્ત કર્યું છે.
કંપનીના જણાવ્યા અનુસાર, સ્માર્ટફોનની કિંમતો વધવાની સાથે જ લોકોની અપેક્ષાઓ પણ વધી રહી છે. હવે ગ્રાહકો ફોનની પ્રોસેસિંગ સ્પીડ, કેમેરા, બેટરી, મજબૂતાઈ અને વેચાણ પછી મળતી સેવાઓ સહિત અન્ય સુવિધાઓમાં વધુ સારો અનુભવ ઈચ્છે છે.
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલા ભારતમાં એક લાખ રૂપિયા સુધીના સ્માર્ટફોન ભાગ્યે જ મળતા હતા. આજે મોંઘા સ્માર્ટફોનની કિંમતો સતત વધવાની સાથે આ કિંમત સામાન્ય થતી જઈ રહી છે.
પ્રીમિયમ સેગમેન્ટના સૌથી એડવાન્સ સ્માર્ટફોનની કિંમતો વર્ષ 2025ની સરખામણીમાં વર્ષ 2026ના અંત સુધીમાં 30 ટકાથી વધુ વધવાનો અંદાજ છે.
રિપોર્ટ મુજબ, સ્માર્ટફોનની કુલ સામગ્રીની કિંમતમાં મેમરી ચિપનો હિસ્સો વર્ષ 2025ની શરૂઆતના લગભગ 13 ટકાથી વધીને હવે 40 ટકાથી વધુ થઈ ગયો છે. વર્ષના અંત સુધીમાં તે 43 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે.
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના સંશોધન નિયામક તરુણ પાઠકે જણાવ્યું હતું કે, AI ડેટા સેન્ટરની વધતી માંગને કારણે DRAM અને NAND મેમરીની કિંમત વધી છે.
તેનાથી સ્માર્ટફોનની કુલ સામગ્રીની કિંમતમાં મેમરીનો હિસ્સો વર્ષ 2025ની શરૂઆતના લગભગ 13 ટકાથી વધીને 40 ટકાથી વધુ થઈ ગયો છે. આના કારણે સ્માર્ટફોન કંપનીઓ ખર્ચને નિયંત્રિત કરવા માટે ફોનના ફીચર્સ, પાર્ટ્સ અને પ્રોડક્ટ રણનીતિની સમીક્ષા કરી રહી છે.
રિપોર્ટ અનુસાર, Oppoના મોંઘા સ્માર્ટફોનની કિંમતોમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ 82-87 ટકાનો વધારો થયો છે. બીજી તરફ, અલ્ટ્રા-પ્રીમિયમ સેગમેન્ટમાં બજારની અગ્રણી કંપની Appleના iPhoneની કિંમતોમાં વાર્ષિક ધોરણે 20-22 ટકાનો વધારો થયો છે.