
સ્માર્ટફોન ટેકનોલોજી છેલ્લા કેટલાક વર્ષોમાં રોકેટ ગતિએ આગળ વધી છે. અગાઉના ફોન અને આજના આધુનિક સ્માર્ટફોન વચ્ચે મોટું અંતર છે. છતાં પણ, ઘણા યુઝર્સ હજુ પણ વર્ષો જૂની વાતો પર ભરોસો કરીને બેઠા છે. ચાલો આજે બેટરી સાથે જોડાયેલા એવા 'જૂઠાણાં' પરથી પડદો ઉઠાવીએ જે તમારે માનવાનું બંધ કરી દેવું જોઈએ.

મીથ 1: બેટરી સંપૂર્ણ ખલાસ થાય ત્યારે જ ચાર્જ કરવી મોટાભાગના લોકો માને છે કે ફોન સ્વિચ ઓફ થાય ત્યાં સુધી ચાર્જ ન કરવો જોઈએ. આ વાત તદ્દન ખોટી છે! સત્ય: જો તમે બેટરીને 0% સુધી જવા દો છો, તો તેને ફરીથી બૂસ્ટ કરવા માટે ફોને વધુ મહેનત કરવી પડે છે, જે બેટરી હેલ્થને નુકસાન પહોંચાડે છે. એક્સપર્ટ્સ માને છે કે જ્યારે બેટરી 30% ની આસપાસ હોય ત્યારે જ તેને ચાર્જ પર મૂકી દેવી હિતાવહ છે.

મીથ 2: બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરવાથી બેટરી બચે છે ઘણા યુઝર્સ સતત બધી એપ્સને 'ફોર્સ સ્ટોપ' કે ક્લોઝ કરતા રહે છે. સત્ય: આધુનિક સ્માર્ટફોન બેકગ્રાઉન્ડ એપ્સને ખૂબ જ કાર્યક્ષમ રીતે મેનેજ કરે છે. જો તમે વારંવાર એપ બંધ કરીને ફરી ખોલશો, તો પ્રોસેસર પર લોડ વધશે અને બેટરીની બચત થવાને બદલે તેની ખપત વધી જશે. એટલે જે એપ વારંવાર વાપરતા હોવ તેને ખુલ્લી રહેવા દેવામાં જ સમજદારી છે.

મીથ 3: ફાસ્ટ ચાર્જિંગ બેટરીને બગાડે છે શું તમને લાગે છે કે ફોન ઝડપથી ચાર્જ કરવાથી તે જલ્દી બગડી જાય છે? સત્ય: જો ફાસ્ટ ચાર્જિંગ નુકસાનકારક હોત, તો દુનિયાની મોટી કંપનીઓ આ ફીચર આપત જ નહીં. જ્યાં સુધી તમારો ફોન ચાર્જિંગ વખતે અતિશય ગરમ (Overheat) નથી થતો, ત્યાં સુધી ફાસ્ટ ચાર્જિંગથી કોઈ જોખમ નથી. આજની સ્માર્ટ સર્કિટ્રી બેટરી ફૂલ થતા જ પાવર સપ્લાય કંટ્રોલ કરી લે છે.

ટેકનોલોજી બદલાતી રહે છે, તેથી તેની સાથે જોડાયેલી જાણકારી પણ અપડેટ કરવી જરૂરી છે. તમારા સ્માર્ટફોનની બેટરીને લાંબો સમય ટકાવવા માટે આધુનિક રીતો અપનાવો અને જૂની અફવાઓથી બચો.