
દિવસ દરમિયાન મળતો સૂર્યપ્રકાશ રાત્રે પણ ઉપલબ્ધ થઈ શકે તેવી ટેકનોલોજી પર કામ શરૂ થઈ ગયું છે. અમેરિકાની કેલિફોર્નિયા સ્થિત કંપની રિફ્લેક્ટ ઓર્બિટલ અવકાશમાં એવા ઉપગ્રહો મોકલવાની યોજના બનાવી રહી છે, જે મોટા અરીસાઓની મદદથી સૂર્યપ્રકાશને પૃથ્વીના ચોક્કસ વિસ્તારો તરફ પરાવર્તિત કરી શકશે. આ યોજના માટે કંપનીએ ભારતની ખાનગી અવકાશ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ સાથે કરાર કર્યો છે. આ ભાગીદારી હેઠળ સ્કાયરૂટના વિક્રમ રોકેટની મદદથી બે ઉપગ્રહો અવકાશમાં મોકલવાની યોજના છે.
રિફ્લેક્ટ ઓર્બિટલનો હેતુ અવકાશમાં ઉપગ્રહોનું નેટવર્ક તૈયાર કરવાનો છે, જેથી જરૂરિયાત મુજબ રાત્રિના સમયે પૃથ્વીના પસંદગીના વિસ્તારોમાં પ્રકાશ પહોંચાડી શકાય. કંપનીના જણાવ્યા અનુસાર, આ ટેકનોલોજીનો ઉપયોગ કુદરતી આફતો દરમિયાન શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરવા, દૂરના ઔદ્યોગિક વિસ્તારોમાં કામકાજનો સમય વધારવા અને સૌર ઊર્જા પ્લાન્ટને વધુ સમય સુધી વીજળી ઉત્પન્ન કરવામાં મદદ કરવા માટે થઈ શકે છે.
સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સ્થાપક અને CEO પવન ચંદનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ભાગીદારીને અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી શક્યતાઓ ખોલતું પગલું ગણાવ્યું હતું. બીજી તરફ, રિફ્લેક્ટ ઓર્બિટલના CEO બેન નોવાકે પણ અવકાશમાં પોતાની ટેકનોલોજી પહોંચાડવા માટે નવા લોન્ચ પાર્ટનર સાથે કામ કરવાની ખુશી વ્યક્ત કરી હતી.
કંપનીની યોજના અનુસાર, આ ઉપગ્રહો દ્વારા રાત્રિના સમયે આશરે પાંચ કિલોમીટર પહોળા વિસ્તાર પર સૂર્યપ્રકાશ પરાવર્તિત કરી શકાશે. જરૂરિયાત પ્રમાણે પ્રકાશની તીવ્રતા નિયંત્રિત કરવાની અને જરૂર ન હોય ત્યારે પ્રકાશ બંધ કરવાની પણ વ્યવસ્થા હશે. જુલાઈમાં અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (FCC)એ કંપનીને પરીક્ષણ માટેના ઉપગ્રહના નિર્માણ, પ્રક્ષેપણ અને સંચાલન માટે મંજૂરી આપી હતી. કંપનીનું માનવું છે કે ભવિષ્યમાં આ ટેકનોલોજીનો ઉપયોગ સંરક્ષણ ક્ષેત્રનાં મહત્ત્વનાં સ્થળો પર પ્રકાશ પહોંચાડવા તેમજ જાહેર કાર્યક્રમો માટે પણ થઈ શકે છે.
જોકે, અવકાશમાંથી પૃથ્વી પર સૂર્યપ્રકાશ પરાવર્તિત કરવાનો વિચાર નવો નથી. વર્ષ 1993માં રશિયાના વૈજ્ઞાનિકોએ ‘ઝ્નામ્યા’ નામના પ્રયોગ હેઠળ આશરે 65 ફૂટનો અરીસો અવકાશમાં મોકલ્યો હતો. આ અરીસાની મદદથી સૂર્યપ્રકાશ પૃથ્વી તરફ પરાવર્તિત કરવામાં આવ્યો હતો. પ્રયોગ સફળ રહ્યો હોવા છતાં ભંડોળની અછતને કારણે તેને આગળ વધારી શકાયો નહોતો.
રિફ્લેક્ટ ઓર્બિટલની નવી યોજનાને લઈને પણ પર્યાવરણવિદો અને કેટલાક વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે, રાત્રિના સમયે કૃત્રિમ રીતે પ્રકાશ વધારવાથી વન્યજીવોની કુદરતી જીવનશૈલી અને જૈવિક ચક્ર પર અસર પડી શકે છે. આ ઉપરાંત, અવકાશમાં તારાઓ અને અન્ય ખગોળીય પદાર્થોનો અભ્યાસ કરતા ખગોળશાસ્ત્રીઓના સંશોધનમાં અવરોધ ઊભો થઈ શકે છે. માનવીઓની ઊંઘ અને કુદરતી દૈનિક ચક્ર પર પણ તેની અસર થવાની શક્યતા છે.
કંપનીએ જણાવ્યું છે કે આ ટેકનોલોજીને મોટા પાયે અમલમાં મૂકતાં પહેલાં વૈજ્ઞાનિકો, સ્થાનિક સમુદાયો અને નિયમનકારી સંસ્થાઓ સાથે મળીને કામ કરવામાં આવશે. હવે આ પ્રોજેક્ટ કેટલી સફળતા મેળવે છે અને પર્યાવરણ સંબંધિત ચિંતાઓનું કેવી રીતે નિરાકરણ આવે છે, તેના પર સૌની નજર રહેશે.
માતા-પિતાના છૂટાછેડાએ આપ્યું દુઃખ, ઇમરાન ખાનના સાવકા પિતા કોણ છે? જુઓ ફોટો