
ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે (DoT) એક નવો નિયમ બહાર પાડ્યો છે. હવે દેશમાં બનતા તમામ નવા મોબાઇલ ફોનમાં “Sanchar Saathi App” પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હશે. મોબાઇલ કંપનીઓએ 90 દિવસની અંદર આ કામ પૂર્ણ કરવું જરૂરી છે.
આ App મોબાઇલ ફોન ‘અસલી છે કે નકલી’, તે ઓળખવામાં મદદ કરે છે. જો કોઈ મોબાઇલ કંપની આ એપ પહેલેથી ઇન્સ્ટોલ ન કરે, તો સરકાર તેની સામે ટેલિકોમ એક્ટ 2023 અને સાયબર સુરક્ષા નિયમો 2024 હેઠળ કડક કાર્યવાહી કરી શકે છે.
ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરી કે, Sanchar Saathi App ડાઉનલોડ કરવી ફરજિયાત નથી. તેમણે કહ્યું કે, આ એપ કોઈની જાસૂસી કરશે નહીં. આ એપ લોકોને મદદ કરવા માટે છે. આનો ઉપયોગ કરીને દરેક વ્યક્તિ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.
સિંધિયાએ એમ પણ કહ્યું કે, જ્યારે તમે નવો મોબાઇલ ફોન ખરીદો છો, ત્યારે તમે આ એપનો ઉપયોગ કરીને તપાસ કરી શકો છો કે, તમારો ફોન અસલી છે કે તેનો IMEI નંબર નકલી છે.
વધુમાં જ્યારે જાસૂસી અંગે પ્રશ્નો ઉભા થયા, ત્યારે સિંધિયાએ સ્પષ્ટતા કરી કે, આમાં કોઈ કોલ મોનિટરિંગ નથી. જો તમે ઇચ્છો તો તેને એક્ટિવેટ કરો; જો તમે ઇચ્છો તો, તેને એક્ટિવેટ ન કરો.
આ App ને જો તમે ડિલીટ કરવા માંગતા હોવ, તો તેને ડિલીટ પણ કરી શકો છો. સાયબર છેતરપિંડીના સતત વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ એપ્લિકેશનને બધા નવા મોડેલ પર પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ એપ તમારા ફોનના IMEI નંબર, મોબાઇલ નંબર અને નેટવર્ક માહિતીનો ઉપયોગ કરીને તમારી સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આમાં જ્યારે તમે એપ ખોલો છો, ત્યારે તે પહેલા તમારો મોબાઇલ નંબર માંગે છે.
નંબર દાખલ કર્યા પછી તમારા ફોન પર એક OTP મોકલવામાં આવે છે, જે તમારા ફોનને એપ સાથે જોડે છે. ત્યારબાદ એપ તમારા ફોનના IMEI નંબરને ઓળખે છે. તે IMEI નંબરને DoTની સેન્ટ્રલ CEIR સિસ્ટમ સાથે મેચ કરે છે અને તપાસ કરે છે કે, ફોન કાયદેસર છે, ચોરાયેલ છે કે બ્લેકલિસ્ટેડ છે.