રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો (Russia-Ukraine) આજે 16મો દિવસ છે. હાલમાં મળતી ખબરો મુજબ, રશિયાના રાજકીય મીડિયા વોચડોગ ‘Roskomnadzor’ કહે છે કે, રશિયન સૈનિકો સામે હિંસક કન્ટેન્ટ ફેલાવવાના કારણે દેશમાં ઇન્સ્ટાગ્રામ (Instagram) પ્રતિબંધિત કરવામાં આવશે. આ અંગે ઇન્સ્ટાગ્રામના માલિક મેટાએ (META) જણાવ્યું હતું કે, તે કેટલાક દેશોમાં તેમના યુઝર્સને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને રશિયન સૈનિકો સામે યુદ્ધનો આકરો જવાબ આપવા માટે મંજૂરી આપે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેટાની આ નીતિમાં ફેરફારના જવાબમાં, રશિયાએ અમેરિકાને (USA) ઇન્સ્ટાગ્રામની ‘ઉગ્રવાદી પ્રવૃત્તિઓ’ રોકવા માટે હાકલ કરી હતી. આજે રશિયન પ્રોસીક્યુટર જનરલ ઓફિસે રશિયન પ્રચાર અને ઉગ્રવાદના કાયદાને ટાંકીને મેટા સામે ફોજદારી તપાસ શરૂ કરવાની હાકલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયામાં ગત તા. 04/03/2022થી ફેસબુક (Facebook) એક્સેસ પણ રશિયા વિરુદ્ધ હિંસક કન્ટેન્ટ ફેલાવવાના કારણોસર બંધ કરવામાં આવ્યું હતું. મેટા કંપની ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપની માલિકી ધરાવે છે. જો કે, વોટ્સએપ (WhatsApp) હાલમાં રશિયામાં બ્લોક કરવામાં આવ્યું નથી, કારણ કે તે સોશિયલ નેટવર્ક નથી, પરંતુ એક મેસેજિંગ પ્લેટફોર્મ છે.
આ અંગે, ટેકનો નિષ્ણાંતોનું કહેવું છે કે, રશિયા ઘણા સમયથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી રહ્યું હતું. જેનું આ પરિણામ છે. પરંતુ આટલી મોટી ટેક કંપનીને એક ‘ઉગ્રવાદી સંગઠન’ તરીકે જાહેર કરવું એ રશિયા માટે સરળ ન હતું.
યુક્રેન પરના રશિયાના આક્રમણ વિશે દેશમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ઍક્સેસ પહેલેથી જ પ્રતિબંધિત છે. પરંતુ આના લાંબા ગાળાની અસરો નોંધપાત્ર છે. જો કે, રશિયન પ્રજા આજે પણ સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ નથી. તેથી આ પ્રતિબંધથી સામાન્ય જનતાને કોઈ જ ફરક પાડવાનો નથી. એકમાત્ર Instagram રશિયામાં અત્યંત લોકપ્રિય છે અને નાના વ્યવસાયો તેમજ લાઇફસ્ટાઇલ બ્લોગર્સ માટે આ પ્રતિબંધ નિર્ણાયક છે.
આ ઉપરાંત, ઘણા રશિયનો VPNનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી. જેનો અર્થ થાય છે કે સંભવિતપણે મોટા ભાગની વસ્તી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં સમાવિષ્ટ જ થતાં નથી. વોટ્સએપ, જે મેટાની માલિકીનું છે અને તે રશિયામાં સૌથી લોકપ્રિય મેસેન્જર એપ્લિકેશન છે. હાલમાં, રશિયામાં વોટ્સએપ પ્રતિબંધિત નથી.
મેટાએ જાહેરાત કરી હતી કે તેણે તેની નીતિમાં ફેરફાર કર્યો છે. મેટાના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે, “યુક્રેન પર ચાલી રહેલા આક્રમણના જવાબમાં, અમે યુદ્ધથી પ્રભાવિત લોકો માટે, આક્રમણ કરનારા સશસ્ત્ર દળો પ્રત્યે હિંસક લાગણી વ્યક્ત કરવા માટે અસ્થાયી અપવાદ સ્થાપિત કર્યો છે.”
અમેરિકા મેટાની ઉગ્રવાદી ગતિવિધિઓ બંધ કરે, ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા પગલાં લે તેવી અમે માગણી કરીએ છીએ, આવું અમેરિકામાં સ્થિત રશિયાના દૂતાવાસે ટ્વિટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, રશિયાએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે ફેસબુકને બ્લોક કરી રહ્યું છે.
આ પણ વાંચો – યુદ્ધ વચ્ચે રશિયામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, કહ્યું- દેશ છોડવાની જરૂર નથી