
સમગ્ર વિશ્વમાં સાયબર ઠગ્સ, રોજબરોજ ટેક્નોલોજી સાથે સતત અપડેટ થતા રહે છે. પહેલા આ લોકો કોલ કરીને કે મેસેજ મોકલીને લોકોને છેતરતા હતા. પરંતુ હવે તેઓ સાયબર ફ્રોડ માટે એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે તમને આર્થિક અને અંગત નુકસાન થાય છે. સાયબર ઠગ હવે નકલી URL ને બદલે છેતરપિંડી માટે ક્લોન એપ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જેમાં એવી ઘણી બધી એપ્સ છે જે તમારા સ્માર્ટફોન અને લેપટોપની સ્ક્રીનને સાયબર ઠગ્સ સાથે જોડી દે છે. જો તમે આ પ્રકારે છેતરપિંડી કરનારાઓથી બચવા માંગતા હોવ તો તમારે થોડું સાવચેત અને જાગૃત રહેવું પડશે.
સાયબર ઠગ્સ આ એપ્સનો ઉપયોગ તમારા સ્માર્ટફોન અને લેપટોપની સ્ક્રીન શેર કરવા માટે કરે છે, જેમાં તેઓ તમને એવી એપ્સ ઇન્સ્ટોલ કરવાની લાલચ આપે છે અને પછી છેતરપિંડી કરે છે. જે તમારા મોબાઈલ અને લેપટોપ સહીતના ઉપકરણની સ્ક્રીન તેમની સાથે શેર કરે છે. જેમાં તમે તમારા ફોન પર શું કરી રહ્યા છે તે દૂર બેઠા પણ જોઈ શકે છે. જ્યારે તમે બેંકિંગને લગતી કે નાણાકીય લેવડદેવડને લગતી વિગતો ભરો છો, ત્યારે તે તમામ માહિતી સાયબર ઠગ્સને ઉપલબ્ધ થઈ જાય છે અને આમ તમે છેતરપિંડીનો સરળતાથી શિકાર બનો છો.
સાયબર ઠગ્સ સ્માર્ટફોન અને લેપટોપની સ્ક્રીન શેર કરવા માટે ટીમ વ્યૂઅર, એની ડેસ્ક, રસ્ક ડેસ્ક એપ્લિકેશન, પુશ બુલેટ એપ્લિકેશનનો મોટોભાગે ઉપયોગ કરે છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે કોઈપણ લલચામણી રજૂઆત અથવા લોભને કારણે તમારા ઉપકરણ પર આ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં. જો તમે તેને અગાઉ ભૂલથી ઇન્સ્ટોલ કરી દીધું હોય, તો તમારે તેને તરત જ તમારા મોબાઈલ કે લેપટોપ સહીતના ઉપકરણમાંથી કાઢી નાખવું જોઈએ.
આ સિવાય તમારે સાયબર ઠગ્સથી બચવા માટે બીજી એક વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમને ક્યારેય કોઈ અજાણ્યો કોલ આવે, અને તમને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરે તો તમારે તેના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. જો તમે આમ કરો છો તો તમારું આર્થિક કે અન્ય પ્રકારે નુકસાન નિશ્ચિત છે. આ સાથે, તમારે નાણાકીય અને વ્યક્તિગત બંને રીતે નુકસાન સહન કરવું પડી શકે છે.