રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન માઈક્રોસોફ્ટે એક મોટું પગલું ભર્યું છે. માઈક્રોસોફ્ટે કહ્યું છે કે તે ‘રશિયામાં તેના ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ બંધ કરી રહ્યું છે’. માઈક્રોસોફ્ટે (Microsoft) આ જાહેરાત મોસ્કો પર રશિયાના હુમલા વચ્ચે કરી છે. અગાઉ પશ્ચિમી દેશોની સરકારો, રમતગમત સંસ્થાઓ અને મોટી કંપનીઓએ પણ રશિયાના આ હુમલાની નિંદા કરી છે અને અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.
માઈક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ હાલમાં સમગ્ર વિશ્વમાં એક અબજથી વધુ વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. રશિયામાં વેચાણ અને સેવા બંધ થવાથી લાખો વપરાશકર્તાઓને અસર થશે. માઈક્રોસોફ્ટના પ્રમુખ બ્રેડ સ્મિથે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “બાકી વિશ્વની જેમ, અમે પણ યુક્રેનના યુદ્ધની તસવીરો અને સમાચારોથી ભયભીત, ક્રોધે ભરાયેલા અને દુઃખી છીએ. અમે રશિયાના આ અયોગ્ય અને ગેરકાયદેસર આક્રમણની નિંદા કરીએ છીએ.”
ગત સપ્તાહની શરૂઆતમાં એપલે કહ્યું હતું કે તેણે રશિયામાં તેના તમામ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયામાં તેની પ્રોડક્ટનું વેચાણ બંધ કરવા ઉપરાંત એપલે તેના એપ સ્ટોરમાંથી રશિયન ન્યૂઝ એપ્સ RT અને સ્પુટનિકની એપને પણ હટાવી દીધી છે. એપલની Apple Pay સેવા પણ રશિયામાં બંધ છે. એપલે આ નિર્ણય યુક્રેનના નાયબ વડાપ્રધાન મિખાઈલો ફેડોરોવના પત્ર બાદ લીધો છે.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકાએ તેના ઉત્પાદનોની રશિયામાં નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ તે ઉત્પાદનો પર પણ આ પ્રતિબંધ લગાવ્યો છે જેની બ્રાન્ડ રશિયાની છે, પરંતુ ઉત્પાદન અમેરિકામાં થાય છે. આ પ્રતિબંધથી અમેરિકન કંપનીઓને ભારે નુકસાન થઈ શકે છે.
અમેરિકાએ આ પ્રતિબંધો યુએસ વેપાર કાયદા હેઠળ લગાવ્યા છે. યુએસ કંપનીઓએ હવે રશિયાને કોમ્પ્યુટર, સેન્સર, લેસર, નેવિગેશન સાધનો અને ટેલિકોમ્યુનિકેશન, એરોસ્પેસ અને દરિયાઈ સાધનો વેચવા માટે લાઈસન્સ મેળવવું આવશ્યક છે. અમેરિકાએ થોડા વર્ષો પહેલા ચીનની કંપની Huawei પર આવો જ પ્રતિબંધ લગાવ્યો હતો, જેના કારણે Huaweiને ઘણું નુકસાન થયું હતું.
આ પણ વાંચો: Tech News: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોટો સાયબર અટેક, યુરોપના હજારો યુઝર્સનું ઈન્ટરનેટ ઠપ્પ