
WhatsAppએ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે “પેરેન્ટ-મેનેજ્ડ એકાઉન્ટ” નામનું નવું ફીચર રજૂ કરવાની જાહેરાત કરી છે. આ ફીચર દ્વારા માતાપિતા અથવા વાલીઓ પોતાના બાળકોના એકાઉન્ટ પર વધુ નિયંત્રણ રાખી શકશે. તેનું મુખ્ય ઉદ્દેશ બાળકોને સુરક્ષિત ઓનલાઈન વાતાવરણમાં મેસેજિંગ અને કોલિંગ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવાની તક આપવાનો છે. કંપનીએ જણાવ્યું છે કે આ ફીચર આગામી મહિનાઓમાં તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે.
આ નવું એકાઉન્ટ ખાસ કરીને નાના બાળકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. બાળકોનું એકાઉન્ટ માતાપિતા અથવા વાલીઓ દ્વારા બનાવવામાં આવશે અને તે તેમના પોતાના WhatsApp એકાઉન્ટ સાથે લિંક થશે. સામાન્ય એકાઉન્ટની સરખામણીમાં તેમાં વધુ કડક ગોપનીયતા સેટિંગ્સ રહેશે અને કેટલીક સુવિધાઓ મર્યાદિત રહેશે. બાળકો ફક્ત ખાનગી સંદેશાઓ અને વોઇસ કૉલ્સ કરી શકશે, જેથી તેઓ પરિવારના સભ્યો અથવા વિશ્વસનીય લોકો સાથે જ સંપર્કમાં રહી શકે.
આ સાથે, માતાપિતા એ પણ જોઈ શકશે કે બાળક કયા ગ્રુપમાં જોડાઈ શકે છે. જો બાળક કોઈ નવો સંપર્ક ઉમેરે, કોઈને બ્લોક કરે અથવા કોઈ નંબરની ફરિયાદ કરે, તો તેની માહિતી માતાપિતાને પણ મળશે. અજાણ્યા નંબરોમાંથી આવતા મેસેજ સીધા “મેસેજ રિક્વેસ્ટ” ફોલ્ડરમાં જશે, જેને માત્ર માતાપિતાના PIN દ્વારા જ ખોલી શકાય છે.
પેરેન્ટ-મેનેજ્ડ એકાઉન્ટમાં કેટલીક લોકપ્રિય સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોય. જેમ કે સ્ટેટસ અપડેટ, ચેનલ્સ અને Meta AI જેવી ફીચર્સનો ઉપયોગ બાળકો કરી શકશે નહીં. ઉપરાંત, એક-એક ચેટમાં અદ્રશ્ય સંદેશાઓ (Disappearing Messages) પણ બંધ રહેશે.
આ તમામ મર્યાદાઓ હોવા છતાં WhatsAppએ સ્પષ્ટ કર્યું છે કે બાળકોના એકાઉન્ટમાં પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન રહેશે. એટલે કે બાળકોની ચેટ અને કૉલ્સ સંપૂર્ણપણે સુરક્ષિત અને ખાનગી રહેશે.
જો માતાપિતા પોતાના બાળક માટે WhatsApp એકાઉન્ટ બનાવવા માંગતા હોય તો સાઇન-અપ દરમિયાન “Parent-Managed Account” વિકલ્પ પસંદ કરી શકશે. આ પ્રક્રિયામાં બાળકની જન્મ તારીખ દાખલ કરવી પડશે. એકાઉન્ટ સેટઅપ દરમિયાન માતાપિતાનો ફોન અને બાળકનો ફોન બંને જરૂરી રહેશે અને ક્યારેક ઓળખ ચકાસણી માટે સેલ્ફી વેરિફિકેશન પણ કરાવવું પડી શકે છે.
સેટઅપ પૂર્ણ થયા પછી માતાપિતા એપ્લિકેશનમાં ઉપલબ્ધ પેરેન્ટલ કંટ્રોલ અને પ્રાઇવસી સેટિંગ્સ દ્વારા તેમના બાળકના એકાઉન્ટનું સંચાલન સરળતાથી કરી શકશે. કંપનીના જણાવ્યા મુજબ, આ સુવિધા વિશ્વભરમાં તબક્કાવાર રીતે શરૂ થશે અને શરૂઆતમાં કેટલાક પ્રદેશોમાં તેની ઉપલબ્ધતા અલગ હોઈ શકે છે.
ઉનાળો આવી ગયો હવે કેટલા ટનનું AC લગાવવું જોઈએ?