
ભારતીય મહિલા હોકી ટીમે મહિલા એશિયા કપ 2025ના સુપર 4 તબક્કાની ધમાકેદાર શરૂઆત કરી. હાંગઝોઉમાં રમાયેલી મેચમાં ભારતે કોરિયાને 4-2થી હરાવ્યું હતું. વૈષ્ણવી વિઠ્ઠલ ફાળકે , સંગીતા કુમારી, લાલરેમસિયામી અને રુતુજા દાદાસો પિસાલના શાનદાર ગોલથી ટીમને સુપર 4 માં આ મહત્વપૂર્ણ જીત સાથે મજબૂત શરૂઆત મળી. કોરિયા માટે યુજિન કિમે બે ગોલ કર્યા હતા.
ભારતને પ્રથમ બે મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો. વૈષ્ણવી વિઠ્ઠલ ફાળકેએ ઉદિતાના શક્તિશાળી શોટના રિબાઉન્ડને ગોલમાં રૂપાંતરિત કરીને ટીમને 1-0ની લીડ અપાવી. આ પછી, ભારતીય ખેલાડીઓએ બોલ પર નિયંત્રણ રાખ્યું અને કોરિયાને દબાણમાં રાખ્યું. જોકે, પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં વધુ બે પેનલ્ટી કોર્નર ગુમાવ્યા અને બ્રેક સુધી લીડ ફક્ત 1-0 રહી હતી.
બીજા ક્વાર્ટરમાં ભારતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને સતત એટેક ચાલુ રાખ્યો. ગોલકીપરે ભારતના કેટલાક શાનદાર પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા, જ્યારે કોરિયાને છેલ્લી ક્ષણોમાં પેનલ્ટી કોર્નર પણ મળ્યો, પરંતુ ભારતીય ગોલકીપર બિચુ દેવી ખારીબામે શાનદાર બચાવ કરીને લીડ જાળવી રાખી. હાફ ટાઇમ સુધી સ્કોર 1-0 રહ્યો હતો.
Snapshots of a hard-fought win! ✨
India edged past Korea 4-2 to record their first victory in the Super 4s of the Women’s Asia Cup 2025.#HockeyIndia #IndiaKaGame #WomensAsiaCup2025 pic.twitter.com/o4HFgSQUnG
— Hockey India (@TheHockeyIndia) September 10, 2025
ત્રીજા ક્વાર્ટરમાં કોરિયાએ આક્રમક શરૂઆત કરી, પરંતુ ભારતે વળતો હુમલો કર્યો અને બીજો ગોલ કર્યો. રુતુજા દાદાસો પિસાલે ત્રણ ડિફેન્ડરોને ચકમો આપી સંગીતા કુમારીને બોલ પાસ કર્યો, જેણે સરળતાથી ગોલ કરીને લીડ 2-0 કરી દીધી. જોકે, યુજિન કિમે પેનલ્ટી કોર્નરથી ગોલ કરતાં કોરિયાએ તરત જ ગોલ કર્યો. આ પછી લાલરેમસિયામીએ 40મી મિનિટે શાનદાર ગોલ કરીને ભારતની લીડ 3-1 કરી દીધી.
ચોથા ક્વાર્ટરમાં, કોરિયાએ એરિયલ પાસ સાથે વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને યુજિન કિમે બીજો ગોલ કરીને સ્કોર 3-2 કર્યો. પરંતુ ભારતે દબાણ હેઠળ શાનદાર વાપસી કરી. છેલ્લી ક્ષણોમાં, રુતુજાએ ફરીથી પોતાનો જાદુ બતાવ્યો અને ઉદિતાના બ્લોક કરેલા શોટના રિબાઉન્ડને ગોલમાં રૂપાંતરિત કરીને સ્કોર 4-2 કર્યો, જેનાથી ભારતે વિજય સુનિશ્ચિત કર્યો. સુપર 4 માં ભારત માટે આ વિજય એક શાનદાર શરૂઆત છે. ટીમનો આગામી મુકાબલો ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2025ના રોજ યજમાન ચીન સામે થશે.
આ પણ વાંચો: Asia Cup 2025 : ભારતીય ટીમને જોઈને પાકિસ્તાની ખેલાડીઓ ડરી ગયા, શોએબ અખ્તરનો પરસેવો છૂટવા લાગ્યો