
વિમ્બલ્ડન (Wimbledon 2022) માં મહિલા સિંગલ્સમાં નવા ચેમ્પિયનનો ફેંસલો થઈ ચૂક્યો છે. કઝાકિસ્તાનની એલેના રાયબકીના (Elena Rybakina) એ ફાઇનલમાં ઓન્સ જેબુર (Ons Jabeur) ને હરાવીને ટાઇટલ જીત્યું હતું. શનિવારે 9 જુલાઈના રોજ, સેન્ટર કોર્ટમાં ઐતિહાસિક ફાઈનલ રમાઈ હતી, જેમાં આ બંને ખેલાડીઓ આમને-સામને હતા. રશિયન મૂળની કઝાક ખેલાડી રાયબકીના તેના દેશની પ્રથમ મહિલા ખેલાડી હતી જે ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. બીજી તરફ, ટ્યુનિશિયાની ઓન્સ પણ સમગ્ર આફ્રિકા અને આરબ પ્રદેશમાંથી ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા ખેલાડી હતી. આવી સ્થિતિમાં વિજેતાનો ઈતિહાસ રચાવાનુ નિશ્ચિત બની ચૂક્યુ હતુ. આ સિદ્ધિ એલેનાના ખાતામાં આવી અને પ્રથમ સેટમાં પાછળ પડી જવા છતાં તેણે જબરદસ્ત વાપસી કરી અને જીત મેળવી.
2017 પછી તે સતત પાંચમું વર્ષ છે જ્યારે વિમ્બલ્ડન મહિલા સિંગલ્સની નવી ચેમ્પિયન બની છે. 2018 થી કઝાકિસ્તાન તરફથી રમી રહેલી રાયબકીનાને શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ત્રીજા ક્રમાંકિત ઓન્સે પ્રથમ સેટમાં રાયબકિનાને સરળતાથી 6-3 થી પાછળ છોડી દીધી હતી. જો કે, આ સેટની હારથી રાયબકિનાને નવી પ્રેરણા મળી હતી અને 17મી ક્રમાંકિત ખેલાડીએ આગામી બે સેટમાં જબરદસ્ત વાપસી કરીને મેચ 3-6, 6-2, 6-2 થી જીતીને ટાઈટલ જીતી લીધું હતું.
મોસ્કોમાં જન્મેલી રાયબકીનાએ જેબરની સ્પિન અને સ્લાઈસને સેન્ટર કોર્ટ પર પાર પાડવા માટે તેની સર્વ અને શક્તિશાળી ફોરહેન્ડનો સારો ઉપયોગ કર્યો હતો. રાયબકીનાએ આમ સતત 12 મેચોમાં જેબેરની જીતનો સિલસિલો તોડી નાખ્યો. જાબેરની આ લય ગ્રાસકોર્ટ પર ચાલી રહી હતી.
The touch of a champion 🤌
Elena Rybakina’s cute winner is our Play of the Day#Wimbledon | @HSBC_Sport pic.twitter.com/Gz4pEaROD6
— Wimbledon (@Wimbledon) July 9, 2022
1962 પછી ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં તે પ્રથમ મહિલા ખિતાબની મેચ હતી જેમાં બંને ખેલાડીઓ તેમની પ્રથમ મોટી ફાઇનલમાં પહોંચી હતી. રાયબકીનાનું રેન્કિંગ 23 છે. 1975માં WTA કોમ્પ્યુટર રેન્કિંગની શરુઆત પછી, માત્ર એક મહિલા ખેલાડી છે જેણે વિમ્બલ્ડનનો ખિતાબ રાયબકીના કરતાં નીચા ક્રમથી જીત્યો છે અને તે વિનસ વિલિયમ્સ છે. જેણે 2007 માં અહીં ટાઇટલ જીત્યું હતું અને તે 31માં ક્રમે હતી. જોકે વિનસ અગાઉ નંબર વન હતી અને તેણે ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં તેની કારકિર્દીની પાંચમાંથી ત્રણ ટ્રોફી જીતી હતી.
Published On - 10:51 pm, Sat, 9 July 22