વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની જવાબદારી લઈને લંડન પહોંચેલી ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલે (Saina Nehwal) આ ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી છે. તેઓએ મંગળવારે પહેલા રાઉન્ડની મેચ જીતી લીધી છે. પીવી સિંધુ આ ટૂર્નામેન્ટમાં નથી રમી રહી, તેથી સાઈનાની જવાબદારી વધી ગઈ છે. સાયના નેહવાલે હોંગકોંગની ચેંગ નગન યી પર સીધી ગેમમાં જીત નોંધાવીને બીડબલ્યૂએફ વર્લ્ડ (BWF World Championship) બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. સાયનાએ પહેલા રાઉન્ડની મેચમાં 38 મિનિટમાં નગન યીને 21-19, 21-9થી હરાવી હતી.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનાર 32 વર્ષની ખેલાડી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે કારણ કે તેની બીજા રાઉન્ડની હરીફ નાજોમી ઓકુહારા ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આનાથી સાયનાને બાય મળી હતી.
સાયનાએ સિંગાપોર ઓપનમાં ચીનની હી બિંગજિયાઓ સામેની જીત દરમિયાન પોતાનું ફોર્મ પાછું મેળવવાનો સંકેત આપ્યો હતો. હૈદરાબાદની આ ખેલાડીએ મંગળવારે પણ પોતાની પેશનનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું. તેણે નગન યી સામે પહેલી ગેમમાં 4-7થી આગળ જતાં 12-11ની લીડ મેળવી હતી. સાયનાને એક-એક પોઈન્ટ માટે મુશ્કેલ પડકારનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે પોતાની લીડ જાળવી રાખી. આ પછી સ્કોર 19-19ની બરાબરી પર પહોંચી ગયો. પરંતુ આ પછી ભારતીય ખેલાડીએ સતત બે પોઈન્ટ મેળવીને પહેલી ગેમ જીતી લીધી હતી.
સાયનાએ બીજી ગેમમાં વધુ આક્રમક અભિગમ અપનાવ્યો હતો અને આ દરમિયાન નગન યીને પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. સાયનાએ ઈન્ટરવલ સુધી 11-6ની લીડ મેળવી લીધી હતી. આ પછી પણ તેણે પોતાની લીડ જાળવી રાખીને આ ગેમ અને મેચ જીતી લીધી હતી.