ઇન-ફોર્મ યુવા સ્ટાર લક્ષ્ય સેન (Lakshya Sen), બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુ (PV Sindhu) અને વર્લ્ડ ચેમ્પિયન ચેમ્પિયનશિપ સિલ્વર મેડલિસ્ટ કિદાંબી શ્રીકાંત ઉપરાંત અનુભવી સાઇના નેહવાલે (Saina Nehwal) પણ BWF 1000 સિરીઝ ઑલ ઇંગ્લેન્ડમાં ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપમાં જીત સાથે શરૂઆત કરી હતી. આ સિવાય દિવસની શરૂઆતમાં એચએસ પ્રણોય અને સમીર વર્માને મેન્સ સિંગલ વર્ગમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ડબલ્સ મેચમાં પણ ભારતની શરૂઆત નિરાશાજનક રહી છે.
સિંધુ, સાઈના નેહવાલ અને શ્રીકાંત જેવા ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપનું ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહ્યા છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારત માટે માત્ર પુલેલા ગોપીચંદ (2001) અને પ્રકાશ પાદુકોણ (1980) એ જ ખિતાબ જીત્યો છે. આ વખતે ચાહકોને આશા છે કે 21 વર્ષનો દુષ્કાળ આ વર્ષે ખતમ થઈ જશે. સાઇના 2015માં ફાઇનલમાં પહોંચીને ટાઇટલ જીતવાની નજીક પહોંચી હતી, જ્યારે ઓલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ જેવી અન્ય તમામ મોટી ઇવેન્ટ્સમાં મેડલ જીતવામાં સફળ રહેલી સિંધુ પણ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતવામાં નિષ્ફળ રહી હતી. .
છઠ્ઠી ક્રમાંકિત સિંધુ ફરી એકવાર જીતની દાવેદાર તરીકે ઉભરી આવી છે જ્યારે 20 વર્ષીય લક્ષ્યે સુપર 1000 ટૂર્નામેન્ટ પહેલા સાતત્યપૂર્ણ પ્રદર્શનની આશા આપી છે. ચેમ્પિયનશિપની પ્રથમ મેચમાં તેનો સામનો વર્તમાન નેશનલ ચેમ્પિયન સમીર વર્મા સાથે થયો હતો. લક્ષ્યે પોતાના સિનિયર ખેલાડીને 21-17, 21-7થી સરળતાથી હરાવ્યો હતો. લક્ષ્યે આ માટે માત્ર 33 મિનિટ લીધી હતી. સેન હવે ડેનમાર્ક એન્ડર્સ એન્ટોસેનનો સામનો કરશે, જેણે બુધવારે વિશ્વ ચેમ્પિયન લોહ કીન યૂને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. સેનની જેમ શ્રીકાંતને પણ પ્રથમ રાઉન્ડમાં તેના દેશબંધુનો સામનો કરવો પડ્યો હતો. તેણે પારુપલ્લી કશ્યપને 21-11, 21-18થી હરાવ્યો.
પીવી સિંધુ અને સાઈના નેહવાલે પણ મહિલા સિંગલ્સ કેટેગરીમાં જીત સાથે શરૂઆત કરી હતી. છઠ્ઠી ક્રમાંકિત પીવી સિંધુએ ચીનની જી યીન વાંગને સીધી ગેમમાં હરાવી હતી. સિંધુએ 42 મિનિટ સુધી ચાલેલી મેચમાં 21-18, 21-13 થી જીત મેળવી હતી. બીજી તરફ સાઇના નેહવાલે સ્પેનની બીટ્રિજ કોરાલેસને 21-17, 21-19 થી હાર આપી હતી. જો સિંધુ અને સાયના બીજા રાઉન્ડની મેચ જીતી જશે તો બંને ક્વાર્ટર ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. છેલ્લા કેટલાક મહિનાઓથી ફિટનેસ અને પ્રદર્શન સાથે સંઘર્ષ કરી રહેલા ટોક્યો ઓલિમ્પિયન બી સાઈ પ્રણીત કોવિડ-19માંથી સાજા થયા બાદ પ્રથમ રાઉન્ડમાં ઓલિમ્પિક ચેમ્પિયન વિક્ટર એક્સેલસન સામે હારી ગયા હતા.