ભારતની સૌથી સફળ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) માટે તાજેતરનો સમય ખટ્ટો-મીઠો રહ્યો છે. પ્રસિદ્ધ શટલરે 8 ઓગસ્ટના રોજ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માં સૌથી ઉંચો ભારતીય ત્રિરંગો ફરકાવ્યો હતો. CWG માં પ્રથમ વખત સિંધુએ મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને મેડલની હેટ્રિક પૂરી કરી હતી. આ ગોલ્ડ જીતવા માટે સિંધુએ ઈજાને આડે આવવા ન દીધી અને લડાયક શૈલી બતાવીને ચેમ્પિયન બની. જોકે, હવે આ ઈજાને કારણે તે થોડો સમય કોર્ટની બહાર રહેશે. સિંધુએ હવે તેની ઈજા અંગે અપડેટ આપી છે.
આ ગોલ્ડ મેડલે તેને અને આખા દેશને અમર્યાદિત ખુશી આપી, પરંતુ તેણે આ સફળતા અને આ ખુશી માટે વર્લ્ડ ચેમ્પિયનશિપના રૂપમાં ભારે કિંમત ચૂકવવી પડી. સિંધુએ 13 ઓગસ્ટ શનિવારના રોજ માહિતી આપી હતી કે બર્મિંગહામ ગેમ્સ દરમિયાન થયેલી ઈજાને કારણે તેણે આ મહિને યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ખસી જવું પડશે. સિંધુએ બર્મિંગહામમાં મહિલા સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો હતો, પરંતુ ફાઈનલ મેચ પહેલા ક્વાર્ટર ફાઇનલમાં તેને ઈજા થઈ હતી. આમ છતાં સિંધુએ હાર ન માની અને પીડા સામે ઝઝૂમીને ફાઈનલ રમી અને ગોલ્ડ જીત્યો.
એક નિવેદનમાં સિંધુએ પોતાની ઈજા વિશે માહિતી આપતા કહ્યું કે તે CWGમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને જેટલી ખુશ છે, તેટલી જ તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ખસી જવાથી નિરાશા છે. સિંધુએ પોતાના નિવેદનમાં કહ્યું, CWGમાં ક્વાર્ટર-ફાઇનલ દરમિયાન, મને દુખાવો થતો હતો અને મને ઈજા થવાનું જોખમ હતું, પરંતુ મારા કોચ, ફિઝિયો અને ટ્રેનરની મદદથી, મેં મારાથી બને તેટલું મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો.
— Pvsindhu (@Pvsindhu1) August 13, 2022
CWG ચેમ્પિયને ખુલાસો કર્યો કે તેના ડાબા પગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર છે. સિંધુએ એ પણ જણાવ્યું કે તે કેટલો સમય મેદાનની બહાર રહેશે અને ક્યારે ટ્રેનિંગ શરૂ કરી શકશે. ભારતીય દિગ્ગજ ખેલાડીએ કહ્યું, “ફાઇનલ દરમિયાન અને પછી પીડા અસહ્ય બની ગઈ હતી. તેથી હું હૈદરાબાદ પાછો ફર્યો કે તરત જ હું એમઆરઆઈ માટે ગઈ હતી. ડૉક્ટરોએ મને કહ્યું કે મારા ડાબા પગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર છે અને મને થોડા અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. હું આગામી થોડા અઠવાડિયામાં તાલીમમાં પરત ફરી શકું છું. તમારા બધા સમર્થન અને પ્રેમ બદલ આભાર.” સિંધુના પિતા પીવી રમન્નાએ એક મીડિયા રિપોર્ટસમાં જણાવ્યું હતું કે સિંધુ લગભગ એક મહિનાના બ્રેક પર હશે અને હાલમાં તે ઓક્ટોબરના મધ્યમાં ડેનમાર્ક ઓપન સાથેની સ્પર્ધામાં પુનરાગમન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
Published On - 9:48 am, Sun, 14 August 22