પંજાબમાં યોજાયેલ રાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ (National Powerlifting Championship) હેઠળ ફેડરેશન કપ 2022 (Fedration Cup 2022) માં ગુજરાતના આકાશ કુમારે ગોલ્ડ મેડલ જીત્યો છે. મહત્વનું છે કે ફેડરેશન કપમાં પહેલીવાર ભાગ લઇ રહેલ આકાશ કુમારે પહેલા જ પ્રયાસમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ભારતીય પાવરલિફ્ટીંગ ફેડરેશન (Indian Federation of Powerlifting) દ્વારા રાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ હેઠળ ભારતના પંજાબ ખાતે ફેડરેશન કપ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત ભરમાંથી અંદાજે 20 થી 22 રાજ્યના ફેડરેશનના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્ટેટના ફેડરેશનમાંથી કુલ 400 થી વધુ ખેલાડીઓએ આ ફેડરેશન કપ 2022 માં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના ખેલાડીઓએ પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.
પંજાબમાં યોજાયેલ ફેડરેશન કપ 2022 માં ગુજરાતના 9 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી કુલ 8 ખેલાડીઓએ ગોલ્ડ મેડલ અને એક ખેલાડીએ કાંસ્ય પદક જીત્યો હતો. જેમાંથી આ 9 ખેલાડીઓમાંથી આકાશ કુમારે પોતાની કારકિર્દીમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. આકાશ કુમારે પહેલીવાર આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને પહેલી જ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ ટુર્નામેન્ટમાં ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષથી ફેડરેશન કપ (Federation Cup) ટુર્નામેન્ટ માં ગુજરાતના પાવરલિફ્ટર ખેલાડી ઓ હંમેશા ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના મોટાભાગના ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવાનો ઇતિહાસ રચ્યો છે. આ વર્ષે પણ ગુજરાતના આ યુવા ખેલાડીઓએ આ ઇતિહાસ જાળવી રાખ્યો છે અને આ ટુર્નામેન્ટમાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં પણ 8 ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે. જ્યારે એક ખેલાડીએ કાંસ્ય પદક જીત્યો હતો.
રાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ હેઠળ ફેડરેશન કપ 2022 માં આકાશ કુમારે 82.5 વેઈટ કેટેગરીમાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે આ કેટેગરીમાં 20 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ તમામ ખેલાડીઓને માત આપીને આકાશ કુમારે ગોલ્ડ મેડલ પાક્કો કર્યો હતો. આકાશ કુમારના જણાવ્યા પ્રમાણે તેણે પોતાની કેટેગરીમાં 185 થી 435 કિલો વેટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું.