Novak Djokovic એ રોજર ફેડરરને પછાડ્યો, સૌથી વધુ વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચનાર ખેલાડી બન્યો

Wimbledon 2022: નોવાક જોકોવિચ (Novak Djokovic) વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચી ગયો છે. અહીં તેનો સામનો ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગિઓસ સાથે થશે.

Novak Djokovic એ રોજર ફેડરરને પછાડ્યો, સૌથી વધુ વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચનાર ખેલાડી બન્યો
Novak Djokovic (PC: Wimbledon)
| Edited By: | Updated on: Jul 09, 2022 | 1:25 PM

ટેનિસ જગતના દિગ્ગજ ગણાતા સર્બિયાના નોવાક જોકોવિચ (Novak Djokovic) એ વિમ્બલ્ડન (Wimbledon 2022) 2022 ની સેમિ ફાઇનલમાં બ્રિટનના કેમેરોન નોરીને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ જીત સાથે નોવાક જોકોવિચે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ (Grand Slam Final) રમવાનો રોજર ફેડરર (Roger Federer) નો રેકોર્ડ તોડી નાખ્યો છે. નોવાક જોકોવિચ હવે 32મી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં રમવા માટે મેદાન પર ઉતરશે. તમને જણાવી દઇએ કે આ પહેલા ટેનિસ સ્ટાર રોજર ફેડરર (Roger Federer) 31 વખત અને રાફેલ નડાલ (Rafael Nadal) 30 વખત ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો.

વિમ્બલ્ડન 2022 માં પ્રથમ ક્રમાંકિત નોવાક જોકોવિચે પુરૂષોની સિંગલ્સ સેમિ ફાઇનલ મુકાબલામાં નવમી ક્રમાંકિત નોરી સામે રોમાંચક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે નોવાક જોકોવિચ સેમિ ફાઇનલ મેચમાં તેનો પહેલો સેટ નોરી સામે 2-6થી હારી ગયો હતો. જોકે ત્યાર બાદના ત્રણ સેટમાં નોવાક જોકોવિચે શાનદાર પુનરાગમન કર્યું અને નોરીને 6-3, 6-2 અને 6-4થી હરાવી વિમ્બલ્ડન 2022 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

નોવાક જોકોવિચ અત્યાર સુધીમાં 6 વખત વિમ્બલ્ડન ટાઈટલ જીતી ચૂક્યો છે. તે છેલ્લા ત્રણ વખતથી અહીં સતત ચેમ્પિયન બની રહ્યો છે. મહત્વનું છે કે નોવાક જોકોવિચે તેની ટેનિસ કારકિર્દીમાં પોતાના નામે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચુક્યો છે. અત્યારે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની રેસમાં રોજર ફેડરર સાથે જોકોવિચ બીજા સ્થાને છે. આ મામલે રાફેલ નડાલ ટોપ પર છે. રાફેલ નડાલે અત્યાર સુધીમાં 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.

 

 

ફાઇનલ મેચમાં જોકોવિચનો સામનો કિર્ગિયોસ સામે થશે

વિમ્બલ્ડન 2022 ની ફાઇનલ મેચમાં નોવાક જોકોવિચ (Novak Djokovic) નો સામનો ઓસ્ટ્રેલિયન ખેલાડી કિર્ગિઓસ સાથે થશે. કિર્ગિઓસને સેમિ ફાઇનલમાં વોક ઓવર મળ્યું હતું. રાફેલ નડાલ (Rafael Nadal) ઈજાના કારણે વિમ્બલ્ડન (Wimbledon 2022) ની સેમિ ફાઈનલમાંથી ખસી ગયો હતો. આવી સ્થિતિમાં કિર્ગિઓસે સેમિ ફાઇનલ મેચ રમ્યા વિના ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે.