ગુજરાતમાં ક્રિકેટ બાદ ફુટબોલની (Football) લોકપ્રિયતા વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો ફુટબોલમાં રસ દાખવતા થયા છે અને કારકિર્દી તરીકે આ રમતને પસંદ કરી રહ્યા છે. જેને ધ્યાને રાખીને ગુજરાત ફુટબોલ એસોસિએશને (Gujarat Football Association) ઉભરતા ખેલાડીઓથી લઈને સીનિયર ખેલાડીઓ માટે ખાસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ગુજરાત ફુટબોલના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ક્લબ ચેમ્પિયનશીપ (Club Championship) ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે. જોકે આ પહેલીવાર બન્યું છે કે ગુજરાત ફુટબોલે રાજ્યના ખેલાડીઓ માટે ક્લબ કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું.
ગુજરાત ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ આ જાહેરાત સાથે જણાવ્યું હતું કે ક્લબ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં કુલ 3 કેટેગરી બનાવવામાં આવી છે. આ 3 કેટેગરીમાં કુલ 33 ટીમો ભાગ લઈ રહી છે. જેની શરૂઆત 5 માર્ચથી થઈ રહી છે. આ 33 ટીમોમાં કુલ 990 ખેલાડીઓ ભાગ લેશે. મહત્વનું છે કે આ ક્લબ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટથી ગુજરાતના ફૂટબોલરોને રાજ્ય અને નેશનલ કક્ષાએ પહોંચવા માટે એક મોટુ પ્લેટફોર્મ મળશે.
ક્લબ ચેમ્પિયનશીપમાં કુલ 33 ટીમોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં સીનિયર કેટેગરીમાં 17 ટીમો, જૂનિયર કેટેગરીમાં 9 ટીમો અને સબ જૂનિયર કેટેગરીમાં 7 ટીમો ભાગ લેશે. તમામ ત્રણ કેટેગરીમાં ભાગ લેનાર ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ભાવનગર છે. જ્યારે ગાંધીનગર, આણંદ, સુરત અને ભરુચ બે કેટેગરીમાં ભાગ લઈ રહ્યું છે તો જામનગર, ગોધરા, બનાસકાંઠા અને વાપી એક કેટેગરીમાં ભાગ લઇ રહ્યું છે.
આ ટુર્નામેન્ટ ગુજરાતના 11 શહેરોમાં કુલ 106 મેચ રમાશે. આ 11 શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, અંકલેશ્વર, વાપી, ગોધરા, દાંતીવાડા અને આણંદનો સમાવેશ થાય છે તો સૌથી મહત્વની વાત એ છે કે સીનિયર કેટેગરીમાં ચેમ્પિયન બનનારી ટીમને ભારતમાં રમાતી આઈ-લીગના ક્વોલિફાયર રાઉન્ડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મે મહિનાના અંતિમ સપ્તાહમાં અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં રમાશે.
આ પણ વાંચો : Ranji Trophy: 5000મી મેચ ચેન્નાઇમાં શરુ થઇ, 88 વર્ષનો ઇતિહાસ ધરાવતી ટૂર્નામેન્ટના ખાસ મુકામની આ બે ટીમ સાક્ષી બની
આ પણ વાંચો : IND vs SA: રાજકોટમાં રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચ, BCCI એ શ્રેણીની તૈયારી શરુ કરી
Published On - 3:57 pm, Thu, 3 March 22