
ફૂટબોલ એવી રમત છે જેમાં ખેલાડીઓની સફળતા મોટા ભાગે તેમના પગ પર નિર્ભર રહે છે. ગોલ કરવો, પાસ આપવો, ડ્રિબલિંગ કરવું કે ડિફેન્સ તોડવું, દરેક કામમાં પગની મુખ્ય ભૂમિકા હોય છે. તેથી પગમાં થયેલી નાની ઈજા પણ ખેલાડીના પ્રદર્શન પર મોટી અસર કરી શકે છે.
ફૂટબોલ મેચ દરમિયાન સતત દોડધામ અને ટક્કરને કારણે ઈજાનું જોખમ ખૂબ વધારે હોય છે. ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓની કારકિર્દી ગંભીર ઈજાઓને કારણે સમય પહેલા જ સમાપ્ત થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ખેલાડીઓની કમાણી, સ્પોન્સરશિપ અને પ્રોફેશનલ ફ્યુચર પર સીધી અસર પડે છે.
શરીરના અંગોનો વીમો એક વિશેષ પ્રકારની ઈન્શ્યોરન્સ પોલિસી છે, જે ખેલાડીને ઈજાના કારણે થનારા આર્થિક નુકસાન સામે સુરક્ષા આપે છે. જો કોઈ ગંભીર ઈજા ખેલાડીની કારકિર્દી પર અસર કરે તો વીમા કંપની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ પોલિસી ખાસ કરીને પ્રોફેશનલ ખેલાડીઓ માટે તૈયાર કરવામાં આવે છે.
અહેવાલો મુજબ લિયોનેલ મેસ્સીના ડાબા પગનો વીમો આશરે 900 મિલિયન ડોલરનો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના બંને પગનો લગભગ 144 મિલિયન ડોલરનો વીમો કરાવ્યો છે, જ્યારે નેમારના ડાબા પગની કિંમત અંદાજે 120 મિલિયન ડોલર માનવામાં આવે છે. ડેવિડ બેકહામ અને ગેરેથ બેલ પણ આ યાદીમાં સામેલ છે.
આ પ્રકારનો વીમો સામાન્ય રીતે સત્તાવાર FIFA અથવા ક્લબ દ્વારા મંજૂર મેચો દરમિયાન જ લાગુ પડે છે. એક્ઝીબીશન અથવા ફ્રેન્ડલી મેચોમાં થયેલી ઈજાઓ ઘણીવાર વીમા કવચ હેઠળ આવતી નથી. તેથી જ ઘણા સ્ટાર ખેલાડીઓ બિનસત્તાવાર મેચોમાં રમવાનું ટાળે છે. ફૂટબોલરો માટે તેમના પગ માત્ર રમતનું સાધન નહીં, પરંતુ અબજો રૂપિયાની સંપત્તિ સમાન છે.