ફિફા વર્લ્ડકપ 2022નો 1 મહિનાનો રોમાંચક સફર આજે ફાઈનલ મેચ સાથે પૂરો થશે. ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ આજે 18 ડિસેમ્બરના રોજ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ વચ્ચે રમાશે. આ મેચ મહાન ફૂટબોલર મેસ્સીની છેલ્લી આતંરરાષ્ટ્રીય મેચ હશે. જેના કારણે ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચને લઈને આખી દુનિયામાં ભારે ઉત્સાહ હતો. 14 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી. જ્યારે 15 ડિસેમ્બરના રોજ રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે મોરોક્કો સામે 2-0થી જીત મેળવી હતી.
બંને ટીમનો ફિફા વર્લ્ડકપ 2022નો સફર ખુબ રોમાંચક રહ્યો છે. ચાલો જાણીએ બંને ટીમોના વર્લ્ડકપના પ્રદર્શન અને ફાઈનલ મેચના સમય અને લાઈવ ટેલિકાસ્ટની માહિતી વિગતવાર.
આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની આ ફિફા વર્લ્ડકપની ફાઈનલ મેચ Sports 18 અને Jio cinema પર જોઈ શકાશે. આ મેચ 18 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 એ શરુ થશે.
ફ્રાન્સની ટીમ વર્લ્ડકપ માટે 16 વાર કવોલીફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 71 મેચોમાંથી આ ટીમ 38 મેચો જીતી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 131 ગોલ કર્યા હતા. ફ્રાન્સની ટીમ 2 વાર વર્લ્ડકપ ચેમ્પિયન રહી છે. જ્યારે 1 વાર બીજા સ્થાને અને 2 વાર ત્રીજા સ્થાને રહી હતી.
આર્જેન્ટિનાની ટીમ 18 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ હતી. આ ટીમ વર્લ્ડકપની 86 મેચમાંથી 46માં મેચમાં જીત મેળવી શકી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 146 ગોલ કર્યા છે. આર્જેન્ટિનાની ટીમ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન (1978, 1986) બની છે. જ્યારે 3 વાર રનર અપ (1930, 1990, 2014) ટીમ રહી છે.
આર્જેન્ટિનાની ટીમ ગ્રુપ સ્ટેજની 3 મેચમાંથી 2 મેચ જીતી શકી હતી. ફિફા વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ આ ટીમને સાઉદી અરબ સામે 1-2ના સ્કોરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમે મેક્સિકો સામે 2-0થી અને પોલેન્ડ સામે 2-0થી જીત મેળવી હતી. પ્રી કવાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિનાની ટીમે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને કવાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. રોમાંચક કવાર્ટર ફાઈનલ મેચમાં આ ટીમે પેનલટી શૂટઆઉટમાં નેધરલેન્ડની ટીમને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન મેળ્યુ હતુ.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 4-1થી જીત મેળવી હતી. બીજી મેચમાં ડેનમાર્ક સામે 2-1થી જીત મેળવી હતી. જ્યારે અંતિમ મેચમાં તુનેસિયા સામે 1-0થી હારનો સામનો કરવો પડયો હતો. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં ફ્રાન્સની ટીમે 3-1થી જીત મેળવી હતી. જ્યારે કવાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 2-1થી જીત મેળવી હતી.
ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલમાં જીતનાર ટીમને 165 કરોડની 18 કેરેટવાળી સોનાની ટ્રોફી મળશે. જોકે, વર્લ્ડકપની સાચી ટ્રોફીના સ્થાને તેમને સુરક્ષાના કારણોસર ટ્રોફીની રેપ્લિકા આપવામાં આવશે. વિજેતા ટીમને- 42 મિલિયન (347 કરોડ) અને રનર અપ ટીમને – 30 મિલિયન (248 કરોડ) પ્રાઈઝ મની આપવામાં આવશે.