ફિફા વર્લ્ડકપ 2022માં આજથી કવાર્ટર ફાઈનલ મેચની શરુઆત થઈ રહી છે. આજે કવાર્ટર ફાઈનલની પહેલી જ મેચ 5 વારની ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ બ્રાઝિલ અને 2018ની રનર અપ ટીમ ક્રોએશિયા વચ્ચે છે. આ મેચમાં બ્રાઝિલની ટીમ જીતની સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. વર્લ્ડ રેંકિગની વાત કરીએ તો બ્રાઝિલની ટીમ 1841.30 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. ક્રોએશિયાની ટીમ 1645.64 પોઈન્ટ સાથે 12માં સ્થાને છે.આજે કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 કલાકે બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે આ પ્રથમ કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. ચાલો જાણીએ આ બંને ટીમોના રસપ્રદ રેકોર્ડ વિશે.
નોકઆઉટ મેચમાં બંને ટીમોનું પ્રદર્શન : બ્રાઝિલની ટીમે સૌથી વધારે 40 નોકઆઉટ મેચ રમી છે. આ નોકઆઉટ મેચમાં તે 28 મેચ જીત્યુ છે. જ્યારે 12 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ક્રોએશિયાની ટીમે વર્લ્ડકપ ઈતિહાસમાં 7 મેચ રમી છે. જેમાં તેને 5 મેચમાં જીત મળી છે. તેને વર્ષ 1998માં સેમીફાઈનલ મેચ અને વર્ષ 2018ની વર્લ્ડકપ ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો.
હેડ ટુ હેડ મેચ રેકોર્ડ – બંને ટીમો વચ્ચે 3 મેચ રમાઈ છે. જેમાંથી તમામ 3 મેચમાં બ્રાઝિલની ટીમની જીત થઈ છે.
બ્રાઝિલની ફૂટબોલ ટીમ 22 વાર ફિફા વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. ફિફા વર્લ્ડકપની 110 મેચમાંથી 74 મેચમાં બ્રાઝિલની ટીમે જીત મેળવી છે. ફિફા વર્લ્ડકપમાં બ્રાઝિલની ટીમે કુલ ગોલ 236 ગોલ કર્યા છે. બ્રાઝિલની ટીમ 5 વાર ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન (1958, 1962, 1970, 1994, 2002) બન્યુ છે. આ ટીમ ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં 2 વાર ચોથા સ્થાને, 2 વાર ત્રીજા સ્થાને અને 2 વાર બીજા સ્થાને રહી છે. આ ટીમ વર્લ્ડકપ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. ફિફા વર્લ્ડકપ 2022ની છેલ્લી 5 મેચોમાંથી 4 મેચમાં બ્રાઝિલની ટીમે જીત મેળવી છે. જ્યારે 1 મેચમાં હારનો સામનો કરવો પડયો છે.
ક્રોએશિયાની ટીમ 6 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. ફિફા વર્લ્ડકપની 27 મેચમાંથી 12 મેચમાં જીત મેળવી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 40 ગોલ કર્યા છે. આ ટીમ ફિફા વર્લ્ડકપમાં એક વાર વર્ષ 2018માં રનર અપ ટીમ રહી છે. જ્યારે 1 વાર ત્રીજા સ્થાને રહી છે. ફિફા વર્લ્ડકપ 2022ની છેલ્લી 5 મેચમાંથી 3 મેચમાં ક્રોએશિયાની ટીમની જીત થઈ છે. જ્યારે 1 મેચ ડ્રો રહી છે.
Published On - 7:39 pm, Fri, 9 December 22