યુરોપમાં ક્લબ ફૂટબોલ સિઝન પૂરી થઈ ગઈ છે. 28 મેના રોજ ચેમ્પિયન્સ લીગમાં રીઅલ મેડ્રિડ એફસી (Real Madrid FC) ની જીત સાથે લાંબી સીઝનનો અંત આવ્યો. ઘણા મોટા ખેલાડીઓ હવે પોતપોતાના દેશો માટે અલગ અલગ ટુર્નામેન્ટ કે ફ્રેન્ડલી મેચોમાં વ્યસ્ત છે. બ્રાઝિલ ફૂટબોલ ટીમ (Brazil Football Team) ના ઘણા સુપરસ્ટાર પણ છે, જેઓ યુરોપની પ્રખ્યાત ક્લબ માટે રમે છે. આ ખેલાડીઓ આ દિવસોમાં તેમની રાષ્ટ્રીય ટીમ સાથે પૂર્વ એશિયાના પ્રવાસ પર છે, જ્યાં તેઓ દક્ષિણ કોરિયા અને જાપાન જેવી ટીમો સાથે સ્પર્ધા કરી રહ્યા છે. જોકે, મેચમાં વિરોધી ટીમ સાથે ટકરાતા પહેલા બ્રાઝિલના બે યુવા સ્ટાર્સ એકબીજા સાથે અથડાયા હતા. કેમેરાની સામે, ટીમના યુવા ફોરવર્ડ રિચાર્લિસન અને વિનિસિયસ જુનિયર (Richarlison-Vinicius Jr Fight) વચ્ચે એવો મુકાબલો થયો કે તેઓ એકબીજાને મુક્કો મારતા પહેલા જ તેમને રોકી દેવામાં આવ્યા.
બ્રિટિશ મીડિયાના અહેવાલ મુજબ આ ઘટના 5 જૂન શનિવારની છે. બ્રાઝિલની ટીમ હાલમાં જાપાનની રાજધાની ટોકિયોમાં છે, જ્યાં ટીમને 7 જૂન, સોમવારે જાપાન સામે ફ્રેન્ડલી મેચ રમવાની છે. પરંતુ આ પહેલા પણ બે ઉભરતા સ્ટાર્સ વચ્ચેના આ મુકાબલે ટીમને લઈ ચર્ચા બનાવી હતી. રિપોર્ટ અનુસાર ટીમની ટ્રેનિંગ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોતા જ એકબીજાનું ગળું દબાવવાનો પ્રયાસ થયો હતો. બંને એકબીજાના ટી-શર્ટ ખેંચી રહ્યા હતા.
મામલો મારામારી સુધી પહોંચ્યો અને રિચાર્લિસન અથવા વિનિસિયસ મુક્કો કે થપ્પડ મારી શકે તે પહેલાં, તાલીમમાં રહેલા અન્ય કેટલાક ખેલાડીઓ પણ તરત જ સ્થળ પર દોડી ગયા અને બંનેને પકડી લીધા. ટીમના કેપ્ટન અને અનુભવી સ્ટાર નેમાર જુનિયરે ખાસ કરીને રિચાર્લિસનને રોક્યો, જે વધુ આક્રમક દેખાઈ રહ્યો હતો. નેમારે રિચાર્લિસનને પાછળથી તેની ગરદન પકડીને તેને રોક્યો હતો. જો કે, ટીમના નવા સભ્ય 25 વર્ષીય રિચાર્લિસન અને 21 વર્ષીય વિનિસિયસ વચ્ચે મુકાબલો કયા કારણોસર થયો તે સ્પષ્ટ નથી, પરંતુ બંનેના મુકાબલાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.
રિચાર્લિસન ઈંગ્લેન્ડની ક્લબ એવર્ટન માટે રમે છે અને તાજેતરમાં જ તેની ટીમને પ્રીમિયર લીગમાં રેલિગેશન ટાળવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી બાજુ, વિનિસિયસ યુરોપની સૌથી મોટી ક્લબમાંની એક, સ્પેનની રીઅલ મેડ્રિડનો મહત્વપૂર્ણ સભ્ય છે. સ્પેનની લા લીગામાં તેણે આ વર્ષે જબરદસ્ત પ્રદર્શન કરીને ટીમને ટાઈટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ પછી, તેણે 28 મેના રોજ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં લિવરપૂલ સામેની મેચનો એકમાત્ર ગોલ કરીને રિયલ મેડ્રિડ માટે 14મું ટાઇટલ જીત્યું.
Published On - 8:25 pm, Sun, 5 June 22