નાર્કો ટેસ્ટ કરાવવા બ્રિજ ભૂષણની ચેલેન્જ સ્વીકારતો બજરંગ પુનિયા, સાથે રાખી આ શરત, જાણો

દેશના કેટલાક મોટા કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણા પર બેઠા છે. આ દરમિયાન બજરંગ પુનિયાએ, બ્રિજભૂષણ સિંહની નાર્કો ટેસ્ટ કરાવવાની ચેલેન્જ સ્વીકારી લીધી છે.

નાર્કો ટેસ્ટ કરાવવા બ્રિજ ભૂષણની ચેલેન્જ સ્વીકારતો બજરંગ પુનિયા, સાથે રાખી આ શરત, જાણો
Bajrang Punia, Vinesh Phogat, Sakshi Malik
Image Credit source: PTI
| Edited By: | Updated on: May 22, 2023 | 1:37 PM

જંતર-મંતર પર ધરણા પર બેઠેલા દેશના જાણીતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ, પૂર્વ WFI પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહનો મોટો પડકાર સ્વીકારી લીધો છે. નાર્કો, લાઇ ડિટેક્ટર ટેસ્ટ માટે ધરણા પર બેઠેલા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને બ્રિજ ભૂષણે પડકાર ફેંક્યો હતો અને હવે આ મામલે બજરંગ પુનિયાની મોટી પ્રતિક્રિયા આવી છે. બજરંગે કહ્યું કે તે લાઈ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કે આ માટે તેણે મોટી શરત પણ રાખી હતી.

મીડિયા સાથે વાત કરતા બજરંગ પુનિયાએ કહ્યું કે તે બ્રિજ ભૂષણની ચેલેન્જ સ્વીકારે છે અને સાથે જ કહ્યું કે નાર્કો ટેસ્ટ લાઈવ હોવો જોઈએ. મતલબ કે બજરંગ પુનિયા ઈચ્છે છે કે દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે નાર્કો ટેસ્ટ દરમિયાન કયા પ્રશ્નો પૂછવામાં આવે છે.

વિનેશ ફોગાટે પણ બ્રિજ ભૂષણ પર કર્યા આકરા પ્રહારો

વિનેશ ફોગાટે પણ નાર્કો ટેસ્ટની શરત સ્વીકારી હતી અને કહ્યું હતું કે, માત્ર તે જ નહીં પરંતુ તમામ મહિલા ખેલાડીઓ આ ટેસ્ટ માટે તૈયાર છે. વિનેશ અને બજરંગે દાવો કર્યો હતો કે નાર્કો ટેસ્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વિનેશે જણાવ્યું હતું કે કુસ્તીબાજોએ સૌથી પહેલા નાર્કો ટેસ્ટની વાત કરી હતી.

કુસ્તીબાજો કેન્ડલ માર્ચ યોજશે

સાક્ષી મલિકે નાર્કો ટેસ્ટ વિશે પણ વાત કરી અને એમ પણ કહ્યું કે કુસ્તીબાજો આવતીકાલ મંગળવારે રાત્રે કેન્ડલ માર્ચ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે બ્રિજ ભૂષણ સિંહે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, તેઓ નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફ ટેસ્ટ અને લાઈ ડિટેક્ટર ટેસ્ટ માટે તૈયાર છે. તેની એક જ શરત છે કે તેની સાથે વિનેશ અને બજરંગની પણ ટેસ્ટ થવા જોઈએ. હવે કુસ્તીબાજોએ તેનો પડકાર સ્વીકારી લીધો છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે હવે આગળ શું થાય છે?


કુસ્તીબાજોનો આરોપ છે કે રમત મંત્રાલય દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિએ બ્રિજભૂષણને બચાવવાનો પ્રયાસ કર્યો છે. કમિટિ પર વીડિયો રેકોર્ડિંગ સાથે છેડછાડનો ગંભીર આરોપ છે.