દેશ માટે લડતા કુસ્તીબાજો હવે પોતાના જ અધિકારીઓ સાથે લડતા જોવા મળે છે. ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયા છે. દેશની મોટી રેસલર વિનેશ ફોગાટે તો તેના પર યૌન શોષણ જેવા ગંભીર આરોપો પણ લગાવ્યા છે. બીજી તરફ ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયાએ સમગ્ર મેનેજમેન્ટમાં ફેરફારની માગ કરી છે. આ જ કારણ છે કે કુસ્તીબાજોનું એક મોટું જૂથ હાલમાં દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહ્યું છે.
પરંતુ એક કુસ્તીબાજ એવો પણ છે જે આ સમયે બ્રિજ ભૂષણ સાથે ઉભો રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલિસ્ટ દિવ્યા કકરાન જેણે બ્રિજ ભૂષણ પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
દિવ્યા કકરાને એક વીડિયો જાહેર કરતા વિનેશ ફોગાટના તમામ આરોપોને ફગાવી દીધા હતા. બ્રિજ ભૂષણનો બચાવ કરતાં તેણે કહ્યું કે, હું 2013થી કેમ્પમાં જઈ રહી છું. હું છેલ્લા 10 વર્ષથી જોઈ રહી છું. મારી સાથે કે અન્ય કોઈ છોકરી સાથે કંઈ ખોટું થયું નથી. તેના બદલે જેઓ અન્ય રાજ્યોમાંથી આવે છે, બ્રિજ ભૂષણ તેમના પર ધ્યાન આપે છે. તેઓ વારંવાર ટ્રાયલ કરાવે છે જેથી કરીને કોઈ ભેદભાવ ન થાય.
દિવ્યા કકરાને કહ્યું કે, બ્રિજ ભૂષણના આગમનથી કુસ્તીને જ ફાયદો થયો છે. કાકરાને કહ્યું, પીએમ મોદીએ પણ સરના વખાણ કર્યા છે. અગાઉ જ્યારે અમે વિદેશ જતા હતા ત્યારે અમને કોઈ સુવિધા મળતી નહોતી. 2012માં જ્યારે હું મંગોલિયા ગઈ હતી ત્યારે ત્યાં ન તો કીટ હતી કે ન તો ખાવાનું સારું હતું. અમને કહેવામાં આવ્યું હતું કે ફેડરેશને પૈસા આપ્યા નથી. હવે 2017થી અમારી સાથે ટાટા જેવી મોટી કંપની જોડાયેલી છે. બ્રિજ ભૂષણ મોટી કંપનીને લઈને આવે છે અને કિટ અને કેમ્પ પર વધુ પૈસા ખર્ચા થાય છે.
દિવ્યા કાકરાને કહ્યું કે, આજે એ જ રેસલર્સ તેના પર આરોપ લગાવી રહ્યા છે જે 2 મહિના પહેલા ટ્વિટ કરીને તેના વખાણ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે રમત મંત્રાલયે આ મામલે બ્રિજ ભૂષણનો જવાબ મંગાવ્યો છે. તેમને 72 કલાકમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.