અમદાવાદમાં પહેલીવાર ITF મહિલા ટેનિસ ટુર્નામેન્ટ રમાશે, ઝીલ દેશાઈ ટોપ સીડ ખેલાડી

ITF મહિલા ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદની ઝીલ દેશાઈ અને વૈદહી ચૌધરી તથા રશિયાની યુરેકે આકર્ષણનું કેન્દ્ર રહેશે. ટુર્નામેન્ટમાં 12 દેશના ખેલાડીઓ ભાગ લેશે.

અમદાવાદમાં પહેલીવાર ITF મહિલા ટેનિસ ટુર્નામેન્ટ રમાશે, ઝીલ દેશાઈ ટોપ સીડ ખેલાડી
Gujarat State Tennis Association
| Edited By: | Updated on: Feb 19, 2022 | 8:53 PM

ગુજરાતમાં પહેલીવાર ITF કક્ષાની ટેનિસ (ITF Women’s Tournament) ટુર્નામેન્ટનું આયોજન થવા જઇ રહ્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત અમદાવાદમાં (Ahmedabad) 20 ફેબ્રુઆરીથી થશે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં 12 દેશના ખેલાડીઓ ભાગ લેશે, જેમાં અમેરિકા, રશિયા, જાપાન, જર્મની અને બેલ્જિયમ સહિત દેશના ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. ITF મહિલા ટેનિસ ટુર્નામેન્ટ અમદાવાદના એસ એકેડેમિ ખાતે રમાશે. જ્યા 5 ક્લે કોર્ટમાં આ સમગ્ર ટુર્નામેન્ટ રમાશે. મહત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં અમદાવાદની ઝીલ દેશાઈ (Zeel Desai) અને વૈદહી ચૌધરી આકર્ષણનું કેન્દ્ર રહેશે. તો તેની સાથે રશિયાની એન્ના યુરેકે પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. ટુર્નામેન્ટ દરમ્યાન કોવિડ-19 ના પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

તમને જણાવી દઇએ કે આ ટુર્નામેન્ટમાં ડેવિસ કપ, એટીપી ખેલાડી દિમિત્રી બાસ્કોવ, ફિટનેશ ટ્રેનર યશપાલ પટેલ અને થોમન જોનસ (સ્કોટલેન્ડ) સહિત અનેક નિષ્ણાંતો ભાગ લેનાર ખેલાડીઓની મદદ કરશે. ટુર્નામેન્ટની વાત કરીએ તો ક્વોલિફાઇંગ રાઉન્ડમાં કુલ 48 ખેલાડીઓ રમશે અને મુખ્ય ડ્રોમાં 32 ખેલાડીઓને સ્થાન મળશે. આ મુખ્ય ડ્રોમાં ગુજરાતના 6 ખેલાડીઓ રમશે.

ખેલાડીઓને ક્લે કોર્ટમાં રમવાનો અનુભવ મળે તે માટે આ ટુર્નામેન્ટ ક્લે કોર્ડમાં રમાડવાનો નિર્ણય કર્યો છેઃ પ્રમેશ મોદી

ITF મહિલા ટેનિસ ટુર્નામેન્ટ સાથે સંકળાયેલા અને એસ ટેનિસ એકેડેમીના પ્રમેશ મોદીએ જણાવ્યું કે ટુર્નામેન્ટમાં 15 હજાર ડૉલરની ઇનામી રકમ રાખવામાં આવી છે. વિશ્વભરમાં મોટાભાગની ટુર્નામેન્ટ સિન્થેટિક અને હાર્ડ કોર્ટમાં રમાય છે. તેમાં ઘણા ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કર્યું છે. પણ ક્લે કોર્ટમાં તેમનું પ્રદર્શન સામાન્ય થઇ જાય છે. તેથી ક્લે કોર્ટમાં તેમને રમવાનો અનુભવ વધુ મળે તે હેતુથી ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનના પ્રમુખ ચિંતન પરીખના પ્રયાસથી આ ટુર્નામેન્ટની યજમાની અમદાવાદને મળી છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓને મળે તે પ્રકારી સુવિધાઓ અમે અમદાવાદમાં તૈયાર કરી છેઃ શ્રીમલ ભટ્ટ

ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએસનના સેક્રેટરી શ્રીમલ ભટ્ટે જણાવ્યું કે ટુર્નામેન્ટની શરૂઆતમાં બેસ્ટ ઓફ થ્રી સેટમાં રમાશે. જ્યારે સેમિ ફાઇનલ અને ફાઇનલમાં ત્રણેય સેટ પુરા રમાશે. તો મહત્વનું છે કે વિજેતા ખેલાડીઓને 10 WTA પોઇન્ટ અને રનર્સ-અપ ખેલાડીને 4 પોઇન્ટ મળશે.

WTA દ્વારા તૈયાર કરવામાં આવેલ નિયમ પ્રમાણે ખેલાડીઓને એકેડેમી ખાતે ફિટનેસ એરિયા, જિમ, પ્લે રૂમ સહિતની અનેક સગવડો આપવામાં આવી છે. આ પ્રકારની તૈયારીઓથી ભવિષ્યમાં અમદાવાદને ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવાની તક મળે અને અહીના ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ સાથે રમવાની તક પણ મળશે.

આ પણ વાંચો : Pro Kabaddi League: જયપુર અને પુનેરી પલ્ટન આજે ટકરાશે સામ-સામે, જીતનારી ટીમને મળશે પ્લેઓફની ટીકિટ

આ પણ વાંચો : ભારતની ઓલિમ્પિક આકાંક્ષાઓ માટે નોંધપાત્ર વિકાસ, IOC સભ્ય નીતા અંબાણીએ 2023માં મુંબઈ IOC સત્રના આયોજનના નિર્ણયને આવકાર્યો