FIFA World Cup 2026: 96 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન થયુ, જાણો કેનેડાને પ્રથમ વર્લ્ડ કપ જીત અપાવનાર કોણ છે જોનાથન ડેવિડ

FIFA વર્લ્ડ કપ 2026માં યજમાન દેશ કેનેડાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગ્રુપ-Bની મેચમાં કેનેડાએ કતારને 6-0ના જંગી અંતરથી હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવનાર કેનેડાએ કતારને કોઈ તક આપી નહોતી અને મેચ દરમિયાન સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું.

FIFA World Cup 2026: 96 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન થયુ, જાણો કેનેડાને પ્રથમ વર્લ્ડ કપ જીત અપાવનાર કોણ છે જોનાથન ડેવિડ
| Updated on: Jun 19, 2026 | 8:33 AM

FIFA વર્લ્ડ કપ 2026માં યજમાન દેશ કેનેડાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગ્રુપ-Bની મેચમાં કેનેડાએ કતારને 6-0ના જંગી અંતરથી હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવનાર કેનેડાએ કતારને કોઈ તક આપી નહોતી અને મેચ દરમિયાન સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું.

જોનાથન ડેવિડ બન્યા જીતના હીરો

આ યાદગાર જીતના સૌથી મોટા હીરો સ્ટાર ફોરવર્ડ જોનાથન ડેવિડ રહ્યા હતા. તેમણે મેચમાં શાનદાર હેટ્રિક ફટકારીને કતારના સંરક્ષણને તોડી નાખ્યું હતું. ડેવિડના આ પ્રદર્શનને કારણે વિશ્વભરના ફૂટબોલ ચાહકો અને નિષ્ણાતો તેમના વખાણ કરી રહ્યા છે. તેમની હેટ્રિકના કારણે કેનેડાએ માત્ર મોટી જીત જ નહીં, પરંતુ અનેક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા હતા.

96 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન

જોનાથન ડેવિડ વર્લ્ડ કપમાં હેટ્રિક ફટકારનાર પ્રથમ કેનેડિયન ખેલાડી બન્યા હતા. સાથે જ તેઓ યુરોપ અને દક્ષિણ અમેરિકાની બહારની ટીમ માટે વર્લ્ડ કપમાં હેટ્રિક ફટકારનાર ઇતિહાસના બીજા ખેલાડી બન્યા હતા. આ પહેલાં 1930ના પ્રથમ વર્લ્ડ કપમાં અમેરિકાના બર્ટ પેટેનાઉડે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આમ, ડેવિડે 96 વર્ષ જૂના રેકોર્ડનું પુનરાવર્તન કરીને પોતાનું નામ ઇતિહાસમાં નોંધાવ્યું હતું.

જોનાથન ડેવિડ કોણ છે?

જોનાથન ડેવિડનો જન્મ અમેરિકાના ન્યૂયોર્ક શહેરના બ્રુકલિનમાં થયો હતો. તેમના માતા-પિતા હૈતીના મૂળના હતા, પરંતુ જ્યારે તેઓ છ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર કેનેડામાં સ્થાયી થયો હતો. ડેવિડે પોતાની ફૂટબોલ કારકિર્દીની શરૂઆત બેલ્જિયમની જેન્ટ ક્લબથી કરી હતી. ત્યારબાદ તેઓ ફ્રાન્સની લિલ ક્લબમાં જોડાયા હતા, જ્યાં તેમણે ટીમને ઐતિહાસિક લીગ-1 ખિતાબ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં તેઓ ઇટાલીની દિગ્ગજ ક્લબ જુવેન્ટસ સાથે સંકળાયેલા છે.

ગોલના વરસાદથી કતારને હરાવ્યું

મેચની 16મી મિનિટે સાયલે લારિને પ્રથમ ગોલ કરીને કેનેડાને લીડ અપાવી હતી. ત્યારબાદ 29મી મિનિટે જોનાથન ડેવિડે પોતાનો પહેલો ગોલ નોંધાવ્યો હતો. ઈજાના સમયમાં વધુ એક ગોલ કરીને તેમણે સ્કોર 3-0 સુધી પહોંચાડ્યો હતો. બીજા હાફમાં નાથન સલીબાએ ચોથો ગોલ કર્યો હતો, જ્યારે કતારના ખેલાડીના આત્મઘાતી ગોલથી સ્કોર 5-0 થયો હતો. અંતિમ ક્ષણોમાં ડેવિડે ત્રીજો ગોલ ફટકારી પોતાની હેટ્રિક પૂર્ણ કરી હતી અને કેનેડાને 6-0ની ઐતિહાસિક જીત અપાવી હતી.

નોકઆઉટ રાઉન્ડ તરફ મજબૂત પગલું

આ જંગી જીત સાથે કેનેડાએ ગ્રુપ-Bમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. પ્રથમ વખત વર્લ્ડ કપમાં જીતનો સ્વાદ ચાખનાર કેનેડાની ટીમ હવે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર બની ગઈ છે. જોનાથન ડેવિડના નેતૃત્વમાં કેનેડિયન ટીમનું આત્મવિશ્વાસ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે અને આગામી મેચોમાં પણ ટીમ પાસેથી મોટા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો- 3 વર્ષની ઉંમરે પિતાનું નિધન થયું, માતાએ મહેનત કરી દીકરીને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોચાડી

Follow Us