Purple Cap: IPL 2022માં ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans)નો ગુરુવારે રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals)નો સામનો થયો હતો. ગુજરાતે ટેબલ ટોપર્સ રાજસ્થાન રોયલ્સને 37 રનથી હરાવી સિઝનની ચોથી જીત નોંધાવી હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમણે મેચમાં આઠ વિકેટ ઝડપી હતી. આ મેચ પછી, પર્પલ કેપના હકમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ આ રેસ ચોક્કસપણે રસપ્રદ બની ગઈ છે. આ મેચમાં એક વિકેટ લેનાર રાજસ્થાન રોયલ્સનો સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હજુ પણ આ કેપ પર હક જમાવીને બેઠો છે.
દરેક સિઝનમાં જ્યાં પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં રહેવા માટે ટીમો વચ્ચે રેસ હોય છે. જ્યારે બોલરો પાસે પર્પલ કેપ હોય છે. આ કેપ દરેક બોલરનું સપનું હોય છે જે તેના સર્વશ્રેષ્ઠ હોવાનો પુરાવો આપે છે. દરેક સિઝનના અંતે, આ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે જેણે સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય. લીગ દરમિયાન દરેક મેચ પછી, આ કેપ તે સમયે યાદીમાં ટોચ પર હોય તેવા ખેલાડીના માથા પર મૂકવામાં આવે છે. હાલમાં કેપ યુઝવેન્દ્ર ચહલ સૌથી આગળ છે.
ગુરુવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પહેલા ચહલ 11 વિકેટ સાથે પર્પલ કેપની યાદીમાં ટોચ પર હતો. તેણે ગુરુવારે ગુજરાત સામે વિકેટ લીધી હતી અને પોતાની જાતને ટોચ પર રાખી હતી. ચહલે શાનદાર બોલિંગ કરીને ગુજરાતના અભિનવ મનોહરને આઉટ કર્યો હતો. 43 રન બનાવીને અભિનવ તેના બોલ પર અશ્વિનના હાથે કેચ આઉટ થયો હતો. ચહલ 12 વિકેટ સાથે ટોપ પર છે. જો તેણે આ વિકેટ ન લીધી હોત તો પણ તે ટોચ પર રહેત, પરંતુ હવે તેણે પોતાની અને બીજા સ્થાને રહેલા ઉમેશ યાદવ વચ્ચેનું અંતર વધારી દીધું છે.
ગુજરાત ટાઇટન્સના લોકી ફર્ગ્યુસને આ મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને તેણે હવે ટોપ ફાઇવમાં એન્ટ્રી કરી લીધી છે. ફર્ગ્યુસનના સાથી ખેલાડી અને આઈપીએલ ડેબ્યુ કરનાર યશ દયાલે પણ આ મેચમાં ચાર વિકેટ ઝડપી હતી પરંતુ તે હાલમાં રેસમાં ઘણો પાછળ છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો