IPL 2022 Orange Cap: IPL 2022 મેચનો રોમાંચ દિવસેને દિવસે વધી રહ્યો છે. તે જ સમયે રન અને વિકેટના સંદર્ભમાં પણ રેસ મુશ્કેલ બની રહી છે. સૌથી વધુ વિકેટ લેવાની રેસમાં જ્યાં રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલે ઘણા દિવસોથી ચાલી રહેલા ઉમેશ યાદવના શાસનનો અંત લાવી દીધો છે, ત્યાં જ જોસ બટલર (Jos Buttler)ને રનની રેસમાં પડકાર મળી રહ્યો છે. જો કે, રવિવાર 10 એપ્રિલના રોજ બે મેચના પરિણામો પછી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) પણ પોઈન્ટ ટેબલમાં પર્પલ કેપ સાથે ઓરેન્જ કેપ રેસમાં સૌથી આગળ છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે નિષ્ફળ જવા છતાં બટલર નંબર વન પર છે, પરંતુ લખનૌનો ક્વિન્ટન ડી કોક પણ ઝડપથી આગળ વધી રહ્યો છે.
જોસ બટલર રવિવારે લખનૌ સામે માત્ર 13 રન બનાવી શક્યો હતો અને આ રીતે તેણે 4 ઈનિંગ્સમાં 218 રન બનાવ્યા છે. આમ છતાં તે હજુ પણ નંબર વન પર યથાવત છે. આ જ મેચમાં લખનૌના ઓપનર ડી કોકે 38 રન બનાવ્યા હતા, જે તેની ટીમને જીતવા માટે પૂરતા ન હતા, પરંતુ તે ઓરેન્જ કેપ જીતવાની રેસમાં બીજા સ્થાને પહોંચી ગયો હતો. તેની પાસે હવે 5 ઈનિંગ્સમાં 188 રન છે અને તેણે ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલને પાછળ છોડી દીધો છે, જેમના 180 રન છે.
જો કે આ મેચમાં રાજસ્થાનના શિમરોન હેટમાયરે બીજી સારી ઈનિંગ રમી અને 36 બોલમાં અણનમ 59 રન ફટકારીને ટીમને મેચ વિનિંગ સ્કોર સુધી પહોંચાડી દીધી. આ તેની પ્રથમ અડધી સદી હતી અને આ સાથે હેટમાયર 4 ઈનિંગ્સમાં 168 રન સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. દિલ્હીના ઓપનર પૃથ્વી શૉએ સતત બીજી અડધી સદી ફટકારી અને 51 રન બનાવ્યા. તેના નામે હવે 160 રન છે અને તે સાતમા નંબર પર છે. આ જ મેચમાં અડધી સદી ફટકારનાર કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે પાંચ ઈનિંગ્સ પછી 123 રન બનાવ્યા છે.
સોમવારે, 11 એપ્રિલે, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર છે અને આ મેચમાં ઓરેન્જ કેપમાં ફેરફાર જોવા મળી શકે છે. જો શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ગુજરાતનો ઓપનર શુભમન બીજી શાનદાર ઇનિંગ રમે છે તો તે બટલરને પાછળ છોડી શકે છે. તે બટલરથી માત્ર 38 રન પાછળ છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : IPL 2022, Purple Cap : યુઝવેન્દ્ર ચહલના ચોગ્ગાએ કર્યું અદ્ભુત કામ, ઉમેશ યાદવ-કુલદીપ યાદવને હરાવી નંબર-1 બન્યો