તાજેતરમાં જ ચેન્નાઇ ખાતે આઇપીએલની આગામી સિઝનને લઇને મીની ઓકશન (IPL Auction) યોજવામાં આવ્યુ હતુ. જેમાં દેશ વિદેશના ખેલાડીઓની બોલી બોલાઇ હતી. ઉંચા દામ સાથે ખેલાડીઓને ખરિદવાના રેકોર્ડ પણ આ વખતના ઓકશનમાં તુટ્યા હતા. ઓકશનના પહેલા જ કિંગ્સ ઇલેવન પંજાબ (Kings Eleven Punjab) ની ટીમે પોતાની ટીમનુ નામ બદલ્યુ હતુ. તેમણે ટીમનુ નવુ નામ પંજાબ કિંગ્સ (Punjab Kings) આપ્યુ હતુ. તેના સહ માલિક નેસ વાડિયા (Ness Wadia) એ કહ્યુ હતુ કે, ટીમ 2019 થી નામ બદલવા ઇચ્છી રહી હતી.
વાડિયા એ કહ્યુ કે, પંજાબ કિંગ્સ એ સરળ નામ છે અને દર્શકો સાથે જોડાવવામાં આસાન પણ રહેશે. તેમણે કહ્યુ હતુ કે, અમે આટલા વર્ષથી બ્રાંડમાં પણ કંઇક નવાપણાની અપેક્ષા રાખતા હતા. જેમકે કહે છેને કે સફળતા ના મળતી હોય તો બદલાવની જરુર છે. પંજાબની ટીમ 2008માં આઇપીએલ શરુ થવાથી અત્યાર સુધી ટાઇટલને જીતી શકી નથી. વાડિયાએ કહ્યુ હતુ કે, કિંગ્સ ઇલેવન પંજાબના મતલબ અંતિમ અગીયાર છે. જ્યારે પંજાબ કિંગ્સ એ એક વ્યાપક શબ્દ છે. દર્શકોને પણ આનાથી વધારે સારી રીતે જોડી શકાશે. તેમણે કહ્યુ હતુ કે, અમે પાછળના બે વર્ષથી નામ બદલવા માટે વિચારી રહ્યા હતા. પાછળના વર્ષે કોરોના મહામારીને લઇને અમે તેને ટાળી દીધુ અને ફરીથી આ વર્ષે આમ કરવાનો નિર્ણય કર્યો હતો.
કોરોના સંક્રમણની સંખ્યા ઘટવા બાદ આગામી સિઝન ભારતમાં રમાશે એમ માનવામાં આવી રહ્યુ છે. જેની પર પણ વાડિયાએ પ્રસન્નતા દર્શાવી હતી. તેમણે કહ્યુ હતુ, કે યુએઇમાં હાલમાં જ કોરોનાનુ પ્રમાણ વધ્યુ છે. ભારત તેનાથી સુરક્ષીત છે. અમારે બસ એ જ સુનિશ્વિત કરવાનુ છે કે, પ્રોટોકોલનો કડકાઇથી પાલન કરવામાં આવે. આશા છે કે, દર્શક પણ મેદાન પર પરત ફરશે.