ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં એશિયા કપની સુપર ફોર મેચ રમાઈ રહી છે. ભારતીય બેટર્સની ધીમી બેટિંગને લઈ આસાન લક્ષ્ય શ્રીલંકા સામે રાખ્યુ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. રોહિત શર્માએ શરુઆત સારી કરાવતા અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમ અંતિમ ઓવરમાં 213 રનનો સ્કોર નોંધાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. અંતમાં અક્ષર પટેલે સ્કોરબોર્ડને આગળ વધારવા માટે મહત્વનો પ્રયાસ કર્યો હતો.
ડ્યૂનિથ વેલાલેજ અને અસલંકાએ તરખાટ મચાવતા ભારતીય બેટિંગ લાઈન ઝડપથી સમેટાઈ ગઈ હતી. સ્પિનરો સામે બેટિંગ કરવી કોલંબોમાં મુશ્કેલ બની રહી હતી. શરઆતમાં ભારતીય ટીમના ઓપનર અને સુકાની રોહિત શર્માએ આક્રમક રમત દર્શાવી હતી. જેને લઈ શરુઆત સારી મળી હતી. પરંતુ આગળ જતા ભારતીય બેટર્સની ધીમી રમત અને બાદમાં ધબડકો કરવાને લઈ સમસ્યા સર્જાઈ ગઈ હતી.
શરુઆતમાં ભારતીય ટીમના સ્કોરબોર્ડને જોઈને લાગી રહ્યુ હતુ કે વધુ એક મેચમાં ભારતીય ટીમ 300 પ્લસ સ્કોર નોંધાવશે. રોહિત શર્મા અને શુભમન ગીલે મળીને ઓપનર જોડીએ 80 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી. જેમાં રોહિત શર્માએ 48 બોલનો સામનો કરીને 53 રન નોંધાવ્યા હતા. હિટમેને એશિયા કપમાં સળંગ બીજી અડધી સદી નોંધાવી હતી. પાકિસ્તાન બાદ શ્રીલંકા સામે અડદી સદી નોંધાવીને હિટમેને ધમાલ મચાવી હતી. શ્રીલંકા સામે 2 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદ વડે અડધી સદી નોંધાવી હતી. ગિલે 25 બોલનો સામનો કરીને 19 રન નોંધાવ્યા હતા. ગીલ અને રોહિત શર્મા બંનેને ડ્યૂનિથ વેલાલેજે બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલ્યા હતા.
વિરાટ કોહલી આજે માત્ર 3 રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. તે શનાકાના હાથમાં કેચ ઝડપાયો હતો. કોહલીએ 12 બોલનો સામનો કરીને 3 રન નોંધાવ્યા હતા. બાદમાં ઈશાન કિશન અને કેએલ રાહુલે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. ઈશાને 33 રન 61 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. જ્યારે રાહુલે 39 રન નોંધાવ્યા હતા. રાહુલે 44 બોલનો સામનો કરીને 2 ચોગ્ગાની મદદ વડે આ સ્કોર નોંધાવ્યો હતો.
રાહુલ અને ઈશાન બાદ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા પર સૌની નજર હતી. બંને ટીમના સ્કોરને આગળ વધારીને લડાયક સ્કોર ભારતનો નોંધાવશે એવી આશા હતી. પરંતુ બંને ઝડપથી પરત ફર્યા હતા. હાર્દિક પંડ્યાએ 18 બોલનો સામનો કરીને 5 રન અને 19 બોલનો સામનો કરીને રવિન્દ્ર જાડેજાએ 4 રન નોંધાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 5 રન 12 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. કુલદીપ યાદવ ગોલ્ડન ડક પરત ફર્યો હતો. અંતમાં અક્ષર પટેલે સ્કોર બોર્ડને શક્ય એટલુ થોડુક આગળ વધારવા માટે પ્રયાસ કર્યો હતો. અક્ષરે 26 રન નોંધાવ્યા હતા. ટીમ 49.1 ઓવરની રમત રમીને સમેટાઈ ગઈ હતી.
Published On - 7:27 pm, Tue, 12 September 23