એશિયા કપ 2023 ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. પરંતુ ભારતીય ઝડપી બોલરોએ શ્રીલંકાને શરુઆતથી જ ફાઈનલમાં પરેશાન કરી દીધા હતા. જેને લઈ શ્રીલંકન ટીમ ઝડપથી સમેટાઈ જતા ભારતને આસાન લક્ષ્ય એશિયા કપ જીતવા માટે મળ્યુ હતુ. આમ ફરી એકવાર ભારતીય ટીમનો દબદબો એશિયા કપમાં જોવા મળ્યો છે. 15.2 ઓવરમાં જ શ્રીલંકાની ટીમ સમેટાઈ ગઈ હતી.
જસપ્રીત બુમરાહે શ્રીલંકાની ઓપનિંગ જોડીને તોડી દીધા બાદ મોહમ્મદ સિરાજે તરખાટ મચાવતી બોલિંગ કરી હતી. સિરાજે જે રીતે બોલિંગ કરી હતી. તેની સામે શ્રીલંકન બેટર્સની પાસે કોઈ જ જવાબ રહ્યો નહોતો. શ્રીલંકાના બેટર્સ ઘર આંગણે જ ખરાબ પ્રદર્શન કરતા ટીમને ત્રણ આંકડાના સ્કોરે પણ પહોંચાડી શક્યા નહોતા.
શ્રીલંકાની ઓપનિંગ જોડી માત્ર 1 રનના સ્કોર પર જ તૂટી ગઈ હતી. જસપ્રીત બુમરાહ પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. મેચ અને ઈનીંગની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર બુમરાહે પ્રથમ શિકાર ઝડપતા કુસલ પરેરાને શૂન્ય રન પર જ પરત મોકલતા કેએલ રાહુલના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. ત્યાર બાદ સિરાજે તરખાટ મચાવવાની શરુઆત કરી હતી. તેણે ઓપનર પથુમ નિશંકાને રવીન્દ્ર જાડેજાના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. નિશંકા માત્ર 2 રન નોંધાવીને પરત ફર્યો હતો.
ઈનીંગની ચોથી ઓવરે ફાઈનલ મેચનુ પરિણામ ભારત તરફી બનાવતી ઓવર ચોક્કસ કહી શકાય એવી સિરાજે ડિલિવર કરી હતી. સિરાજે ચોથી ઓઓવર લઈને આવતા જ પ્રથમ બોલ પર વિકેટ, બીજો બોલ ખાલી, ત્યાર બાદ સળંગ બે વિકેટ અને બાદમાં બાઉન્ડરી સહન કરી હતી. અંતિમ બોલ પર વધુ એક વિકેટ ધનંજયના રુપમાં ઝડપી હતી. આમ એક જ ઓવરમાં ચાર વિકેટ ચાર રન આપીને ઝડપતા જ 12 રનના સ્કોર પર શ્રીલંકાએ 5 વિકેટ ગુમાવી દીધી હતી.
આ ઓવરના પ્રથમ બોલ પર નિશંકાને પોતાનો શિકાર સિરાજે બનાવ્યો હતો. ઓવરના ત્રીજા બોલે સમરવિક્રમાને લેગબિફોર આઉટ કર્યો હતો. તે શૂન્ય રને જ પરત ફર્યો હતો.ચોથા બોલ પર અસલંકાને ગોલ્ડન ડક પરત મોકલ્યો હતો. ધનંજ્યે બેટિંગ માટે આવતા જ ચોગ્ગો ફટકાર્યો અને આગળના બોલ પર કેએલ રાહુલના હાથે કેચ ઝડપાયો હતો. આમ એક જ ઓવરમાં ચાર વિકેટ ઝડપીને સિરાજે મેચને ભારત તરફી બનાવી દીધી હતી. એશિયન ચેમ્પિયન બનવા માટે સિરાજે ચોથી ઓવરમાં જ માર્ગ સરળ બનાવી દીધો હતો.
મોહમ્મદ સિરાજે 7 ઓવર કરી હતી. જેમાં એક ઓવર મેડન કરીને 21 રન આપ્યા હતા. આ દરમિયાન તેણે 6 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની બાકીની ચારમાંથી 3 વિકેટ હાર્દિક પંડ્યા અને એક વિકેટ જસપ્રીત બુમરાહે ઝડપી હતી.
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ અંતમાં કમાલની બોલિંગ કરી હકતી તેણે 2.2 ઓવર કરીને ત્રણ શિકાર પોતાના નામે કર્યા હતા. હાર્દિક પંડ્યાએ અંતિમ બંને વિકેટ ઈનીંગની 16મી ઓવરના પ્રથમ બંને બોલ પર મેળવીને શ્રીલંકાને 50 રનના સ્કોર પર જ રોકી લીધુ હતુ.
Published On - 5:11 pm, Sun, 17 September 23