ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપ 2023ની હાઈવોલ્ટેજ મેચ અમદાવાદમાં રમાઈ રહી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો ખીચોખીચ ભરેલા હતા અને જબરદસ્ત ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. ભારતીય ક્રિકેટ ચાહકોની અપેક્ષાનુસાર જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પ્રદર્શન કરીને પાકિસ્તાન સામે શાનદાર જીત નોંધાવી છે. ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે પાકિસ્તાનને મેદાને ઉતારવાની રણનિતી અપનાવી હતી અને જે સફળ રહી હતી. ભારતે 7 વિકેટથી જીત નોંધાવી હતી.
ભારતીય ટીમના બોલર્સે પાકિસ્તાનના બેટર્સને સુપર ફ્લોપ સાબિત કરતા પેવેલિયન ઝડપથી પરત મોકલીને માત્ર 191 રનમાંજ ટીમને સમેટી લીધી હતી. આમ ભારતીય ટીમને એક આસાન લક્ષ્ય પ્રાપ્ત થયુ હતુ.પાકિસ્તાન તરફથી સુકાની બાબર આઝમે અડધી સદી નોંધાવી હતી. જ્યારે રિઝવાને 49 રન નોંધાવ્યા હતા.
રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. પાકિસ્તાની બોલર્સની એક બાદ એક ધુલાઈ કરતા ચોગ્ગા અને છગ્ગા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જમાવ્યા હતા. હિટમેને 63 બોલનો સામનો કરીને 86 રન 6 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા. ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી વચ્ચે 23 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. શુભમન ગિલે 11 બોલનો સામનો કરીને 16 રન નોંધાવ્યા હતા. આ 16 રન ગિલે ચાર ચોગ્ગા ફટકારીને મેળવ્યા હતા. ત્યાર બાદ ત્રીજા ક્રમે વિરાટ કોહલી રમતમાં આવ્યો હતો.કોહલીએ 16 રન નોંધાવીને હસન અલીના બોલ પર કેચ આપી બેસતા પરત ફર્યો હતો. વિરાટ કોહલીએ 18 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન ભારતનો સ્કોર 79 રન નોંધાયો હતો.
જોકે બાદમાં રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે રમત સંભાળી હતી. રોહિતે પોતાની સ્વાભાવિક રમત જાળવી રાખતા આક્રમકતા પૂર્વક બેટિંગ કરીને મેદાનમાં પ્રેક્ષકોના ઉત્સાહને બમણો કરી દીધો હતો. તેના શાનદાર છગ્ગાઓ પર ક્રિકેટ રસિયાઓની ચિચયારીઓ ખૂબ જ તેજ બની જતી હતી. બીજી તરફ પાકિસ્તાની બોલરોના ચહેરા નિરાશ જોવા મળતા હતા. શાદાબ ખાન, શાહિન આફ્રિદી અને હારિસ રાઉફને શરુઆતમાં જ ધુલાઈ કરી દેતા તેમના 4-4 ઓવરના સ્પેલમાં જ 8 ઉપરની સરેરાશથી રન નિકાળ્યા હતા.
આમ તો આસાન લક્ષ્ય સુધી સરળતાથી પહોંચવાનો માર્ગ રોહિત શર્માએ રચી દીધો હતો. પરંતુ પહેલા રોહિત શર્મા સાથે સાથ નિભાવ્યા બાદ શ્રેયસ અય્યરે પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. રોહિતના પરત ફર્યા બાદ અય્યરે જવાબદારી સ્વિકારી લઈ કેએલ રાહુલ સાથે મળી રમત આગળ વધારી હતી.
Published On - 8:08 pm, Sat, 14 October 23