
હાલમાં ક્રિકેટના મહાકુંભ એટલે કે “ઈન્ડિયન પ્રીમિયર લીગ”નો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અહીં IPLની મેચ રમતાં ખેલાડીઓને જોવા ક્રિકેટ રસિકોમાં જોરદાર ક્રેઝ છે. IPLની ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાત ટાઈટન્સની ટીમ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેની હોટલમાં રોકાઈ હતી.
ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના ત્રણ ખેલાડીઓ મહાત્મા મંદિર પાસેના મેદાનમાં ગલી ક્રિકેટ રમતાં જોવા મળ્યા હતા. હળવાશની પળોમાં લટાર મારવા નીકળેલા ખેલાડીઓ સામાન્ય વ્યક્તિની જેમ નજીકમાં ક્રિકેટ રમતા યુવાનો પાસે પહોંચી ગયા હતા અને તેમને ક્રિકેટ રમતા જોઈ પોતાને રોકી શક્યાં ન હતાં. ત્રણેય ખેલાડીઓએ યુવાનો સાથે બેટિંગ બોલીંગની મજા માણી હતી. જે વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત ખેલાડીઓએ મહાત્મા મંદિર ખાતેની લીલા હોટેલના સ્વિમિંગ પુલમાં વોલિબોલની પણ મજા માણી હતી.
ગુજરાત ટાઈટન્સની ટીમના સ્ટાર ખેલાડીઓ મેદાનમાં અચાનક આવી પહોંચતા ત્યાં હાજર યુવાનો ઉત્સાહમાં આવી ગયા હતા, જે બાદ રાશીદ ખાને તેમની સાથે ક્રિકેટ રમતા યુવાઓ આનંદિત થઈ ગયા હતા. ત્યાં હાજર કેટલાક યુવાનોએ રાશીદની વિડીયો પર રેકોર્ડ કર્યો હતો. જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
IPLમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમી ટીમને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર સ્ટાર સ્પિનર રાશીદ ખાનની લોકપ્રિયતા ગુજરાતમાં સતત વધી છે. રાશીદ અચાનક આ યુવાનો સાથે ક્રિકેટ રમવા પહોંચી જતા ત્યાં હાજર તમામ ઉત્સાહમાં આવી ગયા હતા.
હજારો રૂપિયાની ટિકિટ ખરીદી જે સ્ટાર ખેલાડીઓને મેદાનમાં રમતા જોવા જાઓ છો, તે ખેલાડી અચાનક સામે આવી જાય અને સાથે ક્રિકેટ રમે, તેવું આ યુવાનોએ ક્યારેય વિચાર્યું ના હોય. આ ક્ષણને યુવાઓએ કેમેરામાં કેદ કરી હતી અને ઉત્સાહ સાથે ક્રિકેટની મજા માણી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…