
IPL 2023 ની 50 મેચ સમાપ્ત થઈ ચુકી છે. શનિવારે ડબલ હેડર દિવસની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. બેંગ્લોરે વિરાટ કોહલી અને મહિપાલ લોમરોરની અડધી સદી વડે 4 વિકેટ ગુમાવીને 181 રન નોંધાવ્યા હતા. જવાબમાં દિલ્હી માટે ઓપનિંગ જોડીએ સારો પ્રયાસ કરતા રમત દર્શાવી ફિલ સોલ્ટે અડધી સદી નોંધાવી હતી. દિલ્હીએ દમ દેખાડતી રમત વડે બેંગ્લોર સામે જીત મેળવી હતી. દિલ્હી માટે ઓપનર ફિલ સોલ્ટે શાનદાર અડધી સદીની રમત રમી હતી. માત્ર 17 ઓવરમાં જ દિલ્હીએ જીત મેળવી હતી.
દિલ્હી અને બેંગ્લોર બંને ટીમ સિઝનમાં પોતાની 10મી મેચ પુરી કરી છે. પોઈન્ટ્સ ટેબલમાં બેંગ્લોર માટે દિલ્હી સામે જીત જરુરી હતી અને આ 2 અંક પોઈન્ટ્સ ટેબલમાં મહત્વના હતા. આ માટે બેંગ્લોરે પ્રથમ બેટિંગ પસંદ કરીને પડકારજનક સ્કોર ખડકવા માટે પુરી તાકાત અજમાવી હતી. જોકે બોલર્સ વિકેટ મેળવવા માટે શરુઆતમાં શોધમાં રહ્યા હતા. મોહમ્મદ સિરાજ ફરી એકવાર સિઝનમાં ગુસ્સાભરી હકત કરતો જોવા મળ્યો હતો અને ચોગ્ગા છગ્ગાનો માર સહ્યા બાદ બેટર્સ સાથે ગુસ્સા ભર્યો વર્તન કરતો જોવા મળ્યો હતો.
ફિલ સોલ્ટ અને ડેવિડ વોર્નરે રમતની શરુઆત કરી હતી. બંને ઓપનર બેટરનો જોડીએ દિલ્હી માટે સારી શરુઆત કરાવી હતી. જોકે ડેવિડ વોર્નર આ દરમિયાન જ જોસ હેઝલવુડની જાળમાં ફસાઈ જતા ફાફ ડુ પ્લેસિસના હાથમાં ફાઈન લેગ પર કેચ આપી બેઠો હતો. મોટા શોટના ચક્કરમાં બોલ હવામાં ઉંચે ચડ્યો હતો. જેને બેંગ્લોરને સુકાનીએ કેચ ઝડપ્યો હતો. સુકાની વોર્નરે 14 બોલનો સામનો કરીને 22 રન નોંધાવ્યા હતા. 3 ચોગ્ગા અને 1 છગ્ગો વોર્નરે ફટકાર્યો હતો. પાવર પ્લેમાં દિલ્હી તરફથી 5 છગ્ગા અને 7 ચોગ્ગા નોંધાયા હતા. આમ દિલ્હીએ એક વિકેટ ગુમાવવા છતાં પાવર પ્લેમાં પોતાનો પાવર બતાવતા 70 રન નોંધાવ્યા હતા. જ્યારે 100 નો આંકડો 9મી ઓવરમાં જ પાર કરી લીધો હતો.
ઓપનર ફિલ સોલ્ટે શાનદાર રમત દર્શાવી હતી. સોલ્ટે ચોગ્ગા અને છગ્ગાની જમાવટ સાથે અડધી સદી માત્ર 28 બોલમાં પુરી કરી હતી. 9મી ઓવરમાં તેણે ચોગ્ગો ફટકારીને અડધી સદી પુરી કરી લીધી હતી. સોલ્ટે આતશી રમત રમીને મેચને એક તરફી બનાવી દીધી હતી. સોલ્ટ માટે સદીની આશા ચાહકોને હતી પરંતુ તેની ઈનીંગનો અંત 87 રનના વ્યક્તિગત સ્કોર પર થયો હતો. તેણે 45 બોલનો સામનો કરીને આ ઈનીંગ રમી હતી. દરમિયાન 6 છગ્ગા અને 8 ચોગ્ગા નોંધાવ્યા હતા. મિશેલ માર્શે 17 બોલનો સામનો કરીને 26 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 1 છગ્ગો અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. રાઈલ રુસોએ 35 અને અક્ષર પટેલે 8 રન અણનમ નોંધાવ્યા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:57 pm, Sat, 6 May 23