ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 19 જાન્યુઆરીથી દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા જ વિવાદ શરૂ થયો છે. આ વિવાદનું કારણ છે દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટર ડેડેવિડ ટીગર, જેણે ઈઝરાયેલના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. ડેવિડ ટીગરના નિવેદનને કારણે પેલેસ્ટાઈન સમર્થકોનું એક જૂથ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. વિરોધને કારણે હિંસા ફાટી નીકળવાની આશંકા છે.
સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે અને ડેવિડ ટીગરને અંડર-19 ટીમની કેપ્ટનશીપથી હટાવી દીધો છે. ડેવિડ ટીગરને ગયા વર્ષે ડિસેમ્બરમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તે આગામી વર્લ્ડ કપમાં અંડર-19 ટીમની કેપ્ટનશીપ કરવાનો હતો. જો કે ડેવિડ ટીગર એક ખેલાડી તરીકે દક્ષિણ આફ્રિકાની ટીમમાં રહેશે.
CSAએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ડેવિડ ટીગરને કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય તમામ ખેલાડીઓ, દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમ અને ખુદ ડેવિડના હિતમાં લેવામાં આવ્યો હતો. તે એક ખેલાડી તરીકે ટીમ સાથે રહેશે. જ્યારે સમય આવશે ત્યારે નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવશે. અમે વર્લ્ડ કપને લઈને નિયમિત સુરક્ષાના અપડેટ્સ મેળવતા રહ્યા છીએ. અમને માહિતી મળી હતી કે ટૂર્નામેન્ટ દરમિયાન વિરોધ પ્રદર્શન થઈ શકે છે. તેમજ અંડર-19ના કેપ્ટન ડેવિડ ટીગરને નિશાન બનાવી શકે છે.
ગયા વર્ષે 22 ઓક્ટોબરે ABSA યહુદી અચીવર એવોર્ડ સમારોહમાં ટીગરને રાઇઝિંગ સ્ટાર તરીકે ઓળખ આપવામાં આવી હતી. ત્યારે ટાઇગરે કહ્યું હતું કે, હા, મને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે અને હું રાઇઝિંગ સ્ટાર છું. પરંતુ સાચા રાઇઝિંગ સ્ટાર ઇઝરાયેલના યુવાન સૈનિકો છે. એટલા માટે હું આ એવોર્ડ ઇઝરાયલ અને તેના માટે લડનારા દરેક સૈનિકને સમર્પિત કરવા માંગુ છું.
આ વર્ષે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની કેપટાઉન ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમની બહાર ઈઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ડેવિડ ટીગરને સુકાનીપદેથી બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી. એક પ્રદર્શનકારીએ કહ્યું હતું કે, ડેવિડ ટીગર, તું આપણા દેશનો કેપ્ટન બનવાને લાયક નથી. આ પ્રદર્શનકારીઓએ સ્વતંત્ર પેલેસ્ટાઈનની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
આ પણ વાંચો મોહમ્મદ શમીના ભાઈ કૈફની ખતરનાર બોલિંગ, ભુવનેશ્વર કુમારે પહેલા દિવસે લીધી 5 વિકેટ