
WPL 2023 ની 13મી મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યુપી વોરિયર્સની ટીમે ટોસ હારીને બેટિંગ કરવાની શરુઆત કરી હતી. જોકે શરુઆત સારી રહી નહોતી. શરુઆતની બે ઓવરમાં જ 3 વિકેટ યુપીએ ગુમાવી દીધી હતી. આમ શરુઆત ખરાબ રહેતા યુપીની ગતિ ધીમી રહી હતી. 20મી ઓવરમાં યુપીની ટીમ 135 રનના સ્કોરમાં જ સમેટાઈ ગઈ હતી.
જોકે બાદમાં ગ્રેસ હેરિસ અને દીપ્તી શર્માએ સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો. બંનેની રમતે યુપીને બેંગ્લોર સામે પડકારજનક લક્ષ્ય ખડકવામાં ઉપયોગી રમત દર્શાવી હતી. હેરિસનો રિચા ઘોષે આસાન સ્ટંપીંગ ગુમાવ્યો હતો. જેનો હેરિસે પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. યુપી પ્લેઓફ માટેની આશાઓને જીવંત રાખવા માટેનો પ્રયાસ રાખવાની મથામણ કરી રહી છે. જ્યારે બેંગ્લોરને ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત મેળવવી છે અને હારની કાળી ટીલી દૂર કરવી છે.
મહત્વની મેચ યુપી માટે ગણી શકાય છે. એવી મેચમાં જ યુપીના ઓપનરોએ ખરાબ રમત દર્શાવી હતી. બેંગ્લોરને પ્રથમ જીત ટૂર્નામેન્ટમાં મેળવવી છે, આ માટે મરણીયો પ્રવાસ કરતી નજર આવી રહી છે. જેની સામે યુપીનો ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો. યુપીની સુકાની એલિસા હીલી અને દેવિકા વૈદ્ય ઓપનીંગ જોડીના રુપમાં આવ્યા હતા અને બંને ઓપનર પ્રથમ ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. સૌથી પ્રથમ વિકેટ દેવિકાએ ગુમાવી હતી. તે પોતાના પ્રથમ અને મેચના બીજા બોલ પર લેગબિફોર વિકેટ ગુમાવી પરત ફરી હતી.
હીલી ઓવરના અંતિમ બોલ પર આશાના હાથમાં કેચ આપીને એક જ રન નોંધાવી પરત ફરી હતી. સોફી ડિવાઈને મેચની અને પોતાની પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. આ સમયે યુપીનો સ્કોર માત્ર 2 રન જ હતો. જોકે સ્કોર 5 રન પર પહોંચવા સાથે જ તાહિલા મેકગ્રાએ પણ વિકેટ ગુમાવી હતી. તે પણ 2 રન નોંધાવીને પરત ફરી હતી. કિરણ નવગિરે ચોથી વિકેટના રુપમાં પરત ફરી હતી. તેણે સારો પ્રયાસ કરીને 22 રન ટીમના ખાતામાં જોડ્યા હતા. આ દરમિયાન તેણે 1 છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. સિમરન શેખ 9 બોલનો સામનો કરીને 2 રન નોંધાવી પરત ફરી હતી.
મુશ્કેલ સ્થિતીમાંથી બહાર નિકાળવા માટે મહત્વનુ કાર્ય હેરિસ અને દીપ્તિની રમતે કર્યુ હતુ. બંનેએ શાનદાર રમત દર્શાવી હતી. ગ્રેસ હેરિસે 32 બોલનો સામનો કરીને 46 રનો નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 2 છગ્ગા જમાવ્યા હતા. હેરિસ થોડા માટે અડધી સદી ચૂકી ગઈ હતી. હેરિસ એલિસ પેરીના બોલ પર વિકેટકીપર રિચા ઘોષના હાથમાં કેચ ઝડપાઈ હતી. દીપ્તિ શર્માએ 19 બોલનો સામનો કરીને 22 રન નોંધાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. શર્મા પણ એલિસ પેરીનો શિકાર બની હતી, જે શ્રેયંકા પાટિલના હાથમાં કેચ ઝડપાઈ હતી.
Published On - 9:19 pm, Wed, 15 March 23