WPL 2023 માં આ ખેલાડી પર આજે રહેશે નજર
ભારતમાં હવે મહિલા ક્રિકેટ ના માટે મહત્વની ટૂર્નામેન્ટ શરુ થવા જઈ રહી છે. આજે શનિવારથી મહિલા ક્રિકેટમાં જાણે કે હવે નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે. વુમન્સ પ્રીમિયર લીગની આતુરતાનો અંત આજે આવી રહ્યો છે. મહિલા લીગની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી છે. પાંચ ટીમો સાથેની પ્રથમ સિઝનમાં વિશ્વભરની મહિલા ક્રિકેટરોએ હિસ્સો લીધો છે. ઓપનિંગ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાનારી છે. મહિલા ખેલાડીઓ પોતાનો દમ દેખાડતી ટૂર્નામેન્ટમાં જોવા મળશે.
ગુજરાત અને મુંબઈ વચ્ચેની ટક્કર જબરદસ્ત રહેશે. મુંબઈની ટીમની આગેવાની હરમનપ્રીત કૌર કરી રહી છે. જ્યારે ગુજરાત ટીમનુ સુકાન બેથ મુની સંભાળી રહી છે. બેથ મુની ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી છે. બેથ મૂની વિશ્વચેમ્પિયન ટીમની હિસ્સો રહી છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વાર વિશ્વકપ જીત્યો છે. હવે એ 4 ખેલાડીઓ વિશે બતાવીશુ કે જેમની પર સૌની નજર રહેનારી છે. 2 મુંબઈ અને 2 ગુજરાતની ટીમની આ ખેલાડીઓ છે.
ગુજરાત જાયન્ટ્સ ટીમ
- હર્લે ગાલાઃ 16 વર્ષની પેસર બોલર હર્લે ગાલા ગુજરાતની ટીમની ખેલાડી છે. અંડર 19 ટ્રોફીમાં તેણે 7 વિકેટ ઝડપી હતી અને 122 રન 143.52 ના સ્ટ્રાઈક સાથે નોંધાવ્યા હતા. ગાલા અંડર 19 વિશ્વકપ માટે પસંદ થઈ હતી. જોકે તે ઈજાને લઈ બહાર થઈ ગઈ હતી. ગાલા 10 લાખ રુપિયાની બેઝ પ્રાઈઝ સાથે ગુજરાત ટીમનો હિસ્સો બની હતી. ઝડપી બોલર ગાલા માત્ર બોલ જ નહીં પરંતુ બેટથી પણ પોતાનુ યોગદાન આપી શકે છે. આવામાં શક્ય છે કે, તેને ઓપનિંગ મેચમાં જ તેને અંતિમ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
- એસ મેઘનાઃ આ ખેલાડી ટીમ માટે દમદાર રમત રમીને ટીમ ઈન્ડિયામાં પરત ફરવા ઈચ્છી રહી છે. તેના માટે આ પ્લેટફોર્મ ખૂબ જ મહત્વનુ સાબિત થઈ શકે છે. ઓપનિંગ બેટર અને જમણેરી બોલર પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ગત વર્ષ ઓક્ટોબરમાં રમી હતી. તોફાની બેટર ગણાતી મેઘના હાલમાં ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહી છે. હવે ફરી એકવાર પોતાના દમ પર સૌનુ ધ્યાન પોતાના પર ખેંચવા પ્રયાસ કરશે.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ
- સોનમ યાદવઃ અંડર 19 ચેમ્પિયન ભારતીય ટીમનો હિસ્સો રહી છે સોનમ. શેફાલી વર્માની કેપ્ટનશિપ હેઠળ આઈસીસી મહિલા અંડર 19 ચેમ્પિયન ભારત બન્યુ હતુ. ચેમ્પિયન ટીમનો હિસ્સો રહેલી સોનમ હવે મહિલા લીગમાં પણ ધમાલ મચાવતી જોવા મળી શકે છે. સોનમ યાદવે ફાઈનલ મેચમાં એક ઓવર કરીને 3 રન આપીને એક વિકેટ ઝડપી હતી. યુવા લેગ સ્પિનર પોતાની ફિરકી વડે કમાલ કરી દેખાડે એવો વિશ્વાસ છે અને એટલે જ મુંબઈની સુકાની હરમનપ્રીત તેને અંતિમ ઈલેવનમાં મોકો આપી શકે છે.
- પૂજા વસ્ત્રાકરઃ ભારતીય સિનિયર મહિલા ટીમની હિસ્સો પૂજા પાસે ખૂબ આશાઓ મુંબઈની ટીમને હશે. હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટી20 વિશ્વકપની સેમીફાઈનલમાં ભારત પહોંચ્યુ હતુ. જેમાં પૂજાનુ યોગદાન મહત્વનુ રહ્યુ હતુ. પૂજા સેમીફાઈનલ મેચમાં ઈજાને લઈ રમી શકી નહોતી. જોકે તે હવે મહિલા લીગમાં પોતાના ઝડપી બોલ વડે મુંબઈને લક્ષ્ય તરફ આગળ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.