WPL 2023, GG vs MI: ગુજરાત સામે મુંબઈએ 208 રનનુ લક્ષ્ય રાખ્યુ, હરમનપ્રીત કૌરે તોફાની અડધી સદી નોંધાવી

Gujarat Giants Vs Mumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. મુંબઈની સુકાની હરમનપ્રીત કૌરે તોફાની રમત વડે અડધી સદી નોંધાવી હતી.

WPL 2023, GG vs MI: ગુજરાત સામે મુંબઈએ 208 રનનુ લક્ષ્ય રાખ્યુ, હરમનપ્રીત કૌરે તોફાની અડધી સદી નોંધાવી
Harmanpreet Kaur એ અડધી સદી નોંધાવી
| Edited By: | Updated on: Mar 04, 2023 | 9:41 PM

વુમન્સ પ્રીમિયર લીગ ની પ્રથમ સિઝનની શરુઆત થઈ ચુકી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ ટીમની કેપ્ટન બેથ મૂનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. મુંબઈની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શાનદાર શરુઆત કરી હતી. ઓપનર હેલિ મેથ્યૂઝ અને સુકાની હરમનપ્રીત કૌરે તોફાની રમત દર્શાવી હતી. મુંબઈની કેપ્ટન કૌરે શાનદાર અડધી સદી નોંધાવી હતી. નિર્ધારીત 20 ઓવરના અંતે મુંબઈની ટીમે 207 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

ગુજરાતની ટીમે પ્રથમ બોલિંગ કરવાની રણનિતી અપનાવી મુંબઈને મર્યાદિત સ્કોર પર રોકવાનો ઈરાદો રાખ્યો હતો. જોકે ઓપનિંગ જોડીને તોડવા છતાં મુંબઈની ટીમની આક્રમક રમત જારી રહી હતી. ઓપનર હેલિએ શરુઆતમાં આક્રમક રમત રમીને ચોગ્ગા છગ્ગા વરસાવ્યા હતા. બાદમાં મુંબઈ ઈન્ડિયન્સની સુકાની હરમનપ્રીત કૌરે પણ ગુજરાતના બોલરો સામે આક્રમક રમત અપનાવી હતી. કૌરે બાઉન્ડરીઓ નિકાળવાની શરુઆત કરી હતી.

મુંબઈની સુકાનીની તોફાની રમત

શરુઆતમાં જ ઓપનિંગ જોડી તૂટી જતા ગુજરાત જાયન્ટ્સ ટીમને રાહત જણાઈ રહી હતી. જોકે તે ખુશીઓ ગુજરાતને માટે વધારે ટકી નહોતી. યાસ્તિકા ભાટીયાના રુપમાં ગુજરાતે પ્રથમ સફળતા મેળવી હતી. યાસ્તિકા 8 બોલનો સામનો કરીને 1 રન નોંધાવી તનુજા કંવરનો શિકાર બની હતી. બાદમાં ઓપનર હેલી મેથ્યૂઝે રમતને સંભાળી હતી. તેણે 31 બોલનો સામનો કરીને 47 રન નોંધાવ્યા હતા. તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. નેટ સિવર બ્રન્ટે 18 બોલમાં 23 રન નોંધાવ્યા હતા.

કેપ્ટન હરમનપ્રીતે કમાલની ઈનીંગ રમી હતી. તેણે 30 બોલનો સામનો કરીને 65 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન જોકે કૌરે એક પણ છગ્ગો નોંધાવ્યો નહોતો. કૌરે 14 ચોગ્ગા ફટકાર્યા હતા. એમેલિ કૌરે પણ શાનદાર રમત રમી હતી. તેણે 24 બોલમાં 45 રન નોંધાવ્યા હતા. એમેલિ અંત સુધી ક્રિઝ પર રહી અણનમ રહી હતી. તેણે 1 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે આ સ્કોર નોંધાવ્યો હતો. પૂજા વસ્ત્રાકરે 8 બોલમાં 3 ચોગ્ગા વડે 15 રન નોંધાવ્યા હતા. જ્યારે ઈસ્સી વોંગે 6 રન નોંધાવ્યા હતા. આમ 5 વિકેટ ગુમાવીને 207 રન નોંધાવ્યા હતા.

સ્નેહ રાણાની 2 વિકેટ

ગુજરાત તરફથી સ્નેહ રાણાએ 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 43 રન ગુમાવ્યા હતા. જ્યારે જ્યોર્જીઆએ 1 વિકેટ ઝડપી હતી અને 3 ઓવરમાં 30 રન ગુમાવ્યા હતા. તનુજા કંવરે 2 ઓવરમાં 12 રન ગુમાવીને 1 વિકેટ ઝડપી હતી. એશ્લે ગાર્ડનરે 4 ઓવરમાં 38 રન ગુમાવીને 1 વિકેટ ઝડપી હતી. મોનિકા પટેલે 2 ઓવરમાં 34 રન ગુમાવ્યા હતા.

Published On - 9:32 pm, Sat, 4 March 23