Ashes: ઈંગ્લેન્ડમાં રમાશે વિશેષ મેચ, એશિઝ ટેસ્ટનો વધશે રોમાંચ, ત્રણ દાયકાની રાહ ખતમ થશે

Ashes Series 2023: ઘણા સમયથી મહિલા ક્રિકેટમાં પાંચ દિવસીય ટેસ્ટ મેચની માંગ હતી, જે હવે આવતા વર્ષે સફળ થતી જોવા મળી શકે છે.

Ashes: ઈંગ્લેન્ડમાં રમાશે વિશેષ મેચ, એશિઝ ટેસ્ટનો વધશે રોમાંચ, ત્રણ દાયકાની રાહ ખતમ થશે
Women Ashes: હવે 5 દિવસીય ટેસ્ટ મેચ રમાશે
| Edited By: | Updated on: Sep 22, 2022 | 9:05 AM

એશિઝ સિરીઝ (Ashes Series) નું નામ સાંભળતા જ ક્રિકેટ ચાહકો ઉત્સાહિત થઈ જાય છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) વચ્ચેની આ ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી વિશ્વ ક્રિકેટમાં ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે. આ શ્રેણીમાં ઘણા રેકોર્ડ અને ઈતિહાસ બનેલા છે. પુરૂષ ટીમો ઉપરાંત એશિઝ શ્રેણી પણ બંને દેશોની મહિલા ટીમો (Women Cricket Team) વચ્ચે રમાય છે અને તેમાં પણ મોટા કારનામા જોવા મળે છે. હવે ફરીથી આવું જ કંઈક થવાનું છે. આગામી વર્ષે યોજાનારી એશિઝ સિરીઝ સાથે 30 વર્ષથી ચાલી રહેલી પાંચ દિવસીય મહિલા ટેસ્ટની રાહ પણ સમાપ્ત થવા જઈ રહી છે.

30 વર્ષ પછી 5 દિવસની ટેસ્ટ મેચ રમાશે

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આવતા વર્ષે યોજાનારી મહિલા અને પુરૂષોની એશિઝ શ્રેણીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બુધવાર 21 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત આ કાર્યક્રમમાં મહિલા એશિઝ શ્રેણીની એકમાત્ર ટેસ્ટ મેચે સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું હતું. મહિલા ક્રિકેટરોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને આખરે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયન બોર્ડે આ ટેસ્ટ મેચ ચારને બદલે પાંચ દિવસ કરવાનો નિર્ણય લીધો હતો.

આ સાથે 30 વર્ષ જૂની રાહનો પણ અંત આવશે. મહિલા ક્રિકેટમાં આ માત્ર બીજી ટેસ્ટ હશે, જે પાંચ દિવસની હશે. આ પહેલા 1992 માં બંને ટીમો વચ્ચે પાંચ દિવસીય ટેસ્ટ રમાઈ હતી. બંને બોર્ડના આ નિર્ણય પર ઈંગ્લેન્ડની દિગ્ગજ કેપ્ટન હિથર નાઈટે પણ ઘણી ખુશી વ્યક્ત કરી અને ટ્વિટ કર્યું.

 

સતત માંગ વર્તાઈ હતી

આ વર્ષની શરૂઆતમાં બંને ટીમો વચ્ચે એશિઝ ટેસ્ટ રમાઈ હતી, જે માત્ર ચાર દિવસની હતી. મેચ પાંચ દિવસની નહીં હોવાને લઈ ટેસ્ટ મેચનું પરિણામ આવી શક્યું ન હતું. જેના કારણે મહિલાઓની ટેસ્ટ મેચ પણ 5 દિવસ કરવાની સતત માંગ કરવામાં આવી હતી. માત્ર આ ટેસ્ટ જ નહીં પરંતુ ગયા વર્ષે ભારત-ઈંગ્લેન્ડ અને ત્યારબાદ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ પણ ચાર દિવસની હોવાના કારણે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નહોતી.

એટલું જ નહીં, આ ટેસ્ટ મેચો સેકન્ડ-ક્લાસ ગ્રાઉન્ડને બદલે ઈંગ્લેન્ડના પ્રીમિયર ટેસ્ટ વેન્યુમાં યોજાશે; 22 જુલાઈથી ટ્રેન્ટ બ્રિજ, નોટિંગહામ ખાતે રમાશે. આ સિવાય આ સીરીઝમાં ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચ પણ રમાશે.

હંડ્રેડ માટે પુરુષ એશિઝમાં કરાયો ફેરફાર

આ સાથે ઈંગ્લેન્ડ ક્રિકેટે પુરૂષોની એશિઝ શ્રેણીનું શેડ્યૂલ પણ જાહેર કર્યું છે, જેની શરૂઆત 16 જૂનથી બર્મિંગહામ ટેસ્ટથી થશે અને છેલ્લી ટેસ્ટ મેચ 27 જુલાઈથી લંડનના ઓવલ ખાતે શરૂ થશે. આ વખતે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેની ફ્લેગશિપ ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટ ધ હન્ડ્રેડને ધ્યાનમાં રાખીને એશિઝ શ્રેણી એક મહિના પહેલા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

 

 

Published On - 9:00 am, Thu, 22 September 22