મુંબઈ ઇન્ડીયન્સ (Mumbai Indians) સૌથી વધુ વખત IPL નો ખિતાબ જીતનાર ટીમ છે. પરંતુ, આઈપીએલ 2021 માં આ ચેમ્પિયન ટીમની હાલત સૌથી ખરાબ છે. આ ટીમ હાંસિયા પર છે. પ્લે-ઓફની રેસમાંથી બહાર થવાની આરે આવીને ઉભી છે. IPL 2021 ના બીજા ભાગમાં, રોહિત શર્મા (Rohit Sharma) ની આ ટીમ આજે તેની ત્રીજી મેચ રમશે, જે મેચ કેએલ રાહુલ (KL Rahul) ની આગેવાની ધરાવતી પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે છે.
બીજા તબક્કામાં રાહુલની ટીમની આ ત્રીજી મેચ પણ છે. પરંતુ બંને વચ્ચે મોટો તફાવત એ છે કે, જ્યારે પંજાબ કિંગ્સે આઈપીએલ 2021 ના આ અડધા ભાગમાં છેલ્લી 2 મેચમાંથી એક જીતી છે. ત્યારે મુંબઈ ઇન્ડીયન્સ હજુ પણ તેમની પ્રથમ જીત માટે રાહ જોઈ રહ્યું છે. જો વિજયની આ શોધ આજે પણ સમાપ્ત નહીં થાય, તો મુંબઈ ઇન્ડીયન્સ માટે પ્લે-ઓફનો માર્ગ લગભગ બંધ થઈ જશે. પંજાબ કિંગ્સ માટે પણ હાર કેટલીક આવી જ સમસ્યાઓ ઉભી કરી શકે છે. આવી સ્થિતિમાં, આજે અબુ ધાબીમાં જીતની ટક્કર જોવી રસપ્રદ રહેશે.
રોહિત શર્માની મુંબઈ ઇન્ડીયન્સ માટે એ પણ મુશ્કેલી છે કે, આઈપીએલ 2021 માં રમાયેલી પંજાબ સામેની છેલ્લી મેચમાં હાર મળી હતી. આ એક બાબત પણ મુંબઇ માટે દબાણનુ કારણ છે. છેલ્લી 5 મેચોના રિપોર્ટ કાર્ડમાં પણ પંજાબ કિંગ્સનો મુંબઈ ઉપર 3-2 થી વિજય થયો છે. બંને ટીમો વચ્ચે આઈપીએલનો એકંદર રેકોર્ડ પણ એવો દર્શાવે છે કે, જે તેમની વચ્ચેની સ્પર્ધા હંમેશા કાંટાની રહી છે.
આઈપીએલમાં બંને ટીમો અત્યાર સુધી 27 વખત ટકરાઈ છે, જેમાં મુંબઈ ઇન્ડીયન્સે 14 વખત જીત મેળવી છે. જ્યારે 13 મેચ પંજાબ કિંગ્સના નામે છે. આજની મેચ અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે રમાનારી છે, જ્યાં મુંબઈએ પંજાબને એકમાત્ર મેચમાં હરાવ્યું હતું. આવામાં જોવામાં આવેતો પલડુ બંનેનુ સમાન દેખાઇ રહ્યુ છે.
જ્યાં સુધી બંને ટીમોની વાત છે, ત્યાં સુધી મુંબઈ ઇન્ડીયન્સમાં ફેરફારની શક્યતા ઓછી રહેશે. જ્યારે આદત મુજબ, પંજાબ કિંગ્સ આજે પણ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરતુ જોઇ શકાય છે. આજે મુંબઈએ મેદાન મારવા માટે, આ ટીમના ભારતીય બેટ્સમેનોએ માટે ચાલવું જરૂરી છે. જે હજુ સુધી બનતું જોવા મળ્યું નથી. ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ મધ્ય ઓવરમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. જોકે મુંબઈની બોલિંગ હજુ પણ તેમની મજબૂત બાજુ છે.
બીજી તરફ પંજાબ કિંગ્સ ટીમની બેટિંગ મજબૂત છે. ટીમની સૌથી મોટી તાકાત કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડી છે. આ સિવાય પંજાબની બોલિંગ પણ તાકાત દર્શાવે છે.