વરસાદ પડે કે મેચ ટાઈ થાય તો શુ થશે ? જાણો T20 વર્લ્ડ કપ મેચ માટેના નિયમો

ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે અને ક્રિકેટ ચાહકોને આગામી દોઢ મહિના સુધી ક્રિકેટ મેચ જોવા મળશે. ICCએ T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે ઘણા નિયમો બનાવ્યા છે, જો મેચમાં વરસાદ પડે કે પછી મેચ ટાઈ થાય તો, કયો નિયમ લાગુ પડશે ?

વરસાદ પડે કે મેચ ટાઈ થાય તો શુ થશે ? જાણો T20 વર્લ્ડ કપ મેચ માટેના નિયમો
Rain in the match (file photo)
| Edited By: | Updated on: Oct 16, 2022 | 11:41 AM

ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપની (T20 World Cup) શરૂઆત થઈ ગઈ છે, પ્રથમ મેચ આજે 16 ઓક્ટોબરે શ્રીલંકા અને નામિબિયા વચ્ચે રમાઈ છે. આ સાથે જ T20 વર્લ્ડ કપ ટ્રોફી માટે 16 ટીમો વચ્ચે ક્રિકેટ યુદ્ધ શરૂ થઈ ગયું છે. હવે દરેકની નજર આ વખતે કોણ ચેમ્પિયન બને છે તેના પર મંડારાયેલી છે, હવે જ્યારે T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ શરૂ થયો ગયો છે, ત્યારે તેના સંબંધિત નિયમોને જાણવું પણ જરૂરી છે.

વર્લ્ડ કપની મેચમાં વરસાદ પડે અથવા મેચ ટાઈ થાય તો શું થાય ? ICCએ ટૂર્નામેન્ટ માટે અલગ-અલગ નિયમો બનાવ્યા છે, જેના અનુસાર મેચ રમાશે. ટીમો પ્રથમ ક્વોલિફાઈંગ રાઉન્ડ અને ત્યાર પછી સુપર-12 તબક્કામાં પોઈન્ટ સિસ્ટમ અનુસાર તેમના મિશનમાં આગળ વધશે.

શું કહે છે ICCનો નિયમ ?

પોઈન્ટ સિસ્ટમ મુજબ, ટુર્નામેન્ટમાં મેચમાં જીત માટે 2 પોઈન્ટ મળશે, જ્યારે હાર માટે શૂન્ય પોઈન્ટ મળશે. જો મેચ ટાઈ થાય, રદ થાય અથવા મેચનું પરિણામ ના આવે, તો બંને ટીમો વચ્ચે 1-1 પોઈન્ટ વહેંચવામાં આવશે. ક્વોલિફાઈંગ અને સુપર-12 રાઉન્ડ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી, એટલે કે જો મેચ રદ થશે તો તેને રદ જ ગણવામાં આવશે.

રિઝર્વ ડે કઈ મેચ માટે છે ?

આઈસીસીએ માત્ર પ્લેઓફ મેચો માટે જ અનામત દિવસો રાખ્યા છે. એટલે કે સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચ બંને મહત્વની મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે. જો આ મેચના દિવસે વરસાદ પડે અથવા અન્ય કોઈ કારણસર મેચ ન થાય તો મેચ રિઝર્વ ડે પર યોજવામાં આવશે. જોકે, પ્રથમ પ્રયાસ એ જ દિવસે મેચ પૂર્ણ કરવાની રહેશે, ભલે પછી નિર્ધારીત ઓવર ઓછી કરવી પડે.

સંજોગો અનુસાર પાંચ ઓવર પણ ફેંકવાની સ્થિતિ ના હોય તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. જો મેચ કોઈ સંજોગોવસાત પોતાના નિર્ધારીત સમય પર શરૂ થાય અને વચ્ચે વરસાદ આવે અને મેચ ફરી શરૂ ન થઈ શકે, તો રિઝર્વ ડે પર મેચ જ્યાં રોકાઈ હોય ત્યાંથી જ આગળ વધશે.