
ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે અને પોતાની બંને મેચ હારી છે. ટીમના બે મેચ હાર્યા બાદ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ પર પણ સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. તેની ટીમ સિલેક્શન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તેણે ન્યુઝીલેન્ડ સામે જે પ્રકારની પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારી હતી, ત્યારથી જ તે ટીકાકારોના નિશાના પર વધારે રહ્યો છે.
આ દરમિયાન એક ખેલાડીએ પણ વિરાટ કોહલીને ખોટો સાબિત કર્યો છે. વાત કરવામાં આવી રહી છે શ્રીલંકાના ઓલરાઉન્ડર અને લેગ સ્પિનર વાનિન્દુ હસરંગાની (Wanindu Hasaranga). જે T20 વર્લ્ડ કપમાં નંબર 1 બોલર બની ગયો છે.
ઈંગ્લેન્ડ સામે 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 3 વિકેટ લેનારો હસરંગા T20 વર્લ્ડ કપ 2021માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. હસરંગાના નામે 7 મેચમાં 14 વિકેટ છે અને તેણે 13 વિકેટ લેનાર શાકિબ અલ હસનને પાછળ છોડી દીધો છે. હસરંગાનો ઈકોનોમી રેટ અદભૂત છે, તેણે પ્રતિ ઓવર માત્ર 5.26 રન ખર્ચ્યા છે, જે સ્પિનર માટે આશ્ચર્યજનક છે.
વાનેન્દુ હસરંગા IPL 2021ના બીજા તબક્કામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમ્યો હતો. પરંતુ વિરાટ કોહલીએ તેને માત્ર 2 મેચ બાદ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો હતો. હસરંગા બે મેચમાં એક પણ વિકેટ લઈ શક્યો ન હતો અને બેટ વડે માત્ર 1 રન બનાવી શક્યો હતો. પરંતુ એવું લાગી રહ્યું હતું કે કેપ્ટન વિરાટ કોહલીએ તેના પરથી વિશ્વાસ ખૂબ જ ઝડપથી ગુમાવી દીધો હતો. જોકે T20 વર્લ્ડ કપમાં હસરંગાએ પોતાનો ક્લાસ બતાવ્યો છે અને તેણે દર્શાવી દીધુ છે કે તે કેવો ખેલાડી છે.
હસરંગાએ સોમવારે ઈંગ્લેન્ડ માટે 3 મોટી વિકેટ લીધી હતી. હસરંગાએ જેસન રોય, જોની બેરસ્ટો અને ઈંગ્લિશ કેપ્ટન ઈયોન મોર્ગનની વિકેટ લીધી હતી. પહેલા જેસન રોયને હસરંગાએ બોલ્ડ કર્યો હતો. જ્યારે જોની બેરસ્ટો તેના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. આ પછી હસરંગાએ ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહેલા ઈયોન મોર્ગનને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
હસરંગાએ 4 ઓવરમાં માત્ર 21 રન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે હસરંગાએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કરતા 20 રનમાં 3 વિકેટ લીધી હતી. હસરંગાએ દક્ષિણ આફ્રિકા સામે હેટ્રિક પણ ઝડપી હતી.
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 3 વિકેટ લીધા બાદ હસરંગાએ T20 ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી હતી. હસરંગાએ માત્ર 30 ઇનિંગ્સમાં વિકેટની તેની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તે સૌથી ઝડપથી આ મુકામ હાંસલ કરવાના મામલે તે ત્રીજા નંબર પર છે. અજંતા મેન્ડિસે T20માં સૌથી ઝડપી 50 વિકેટ પૂરી કરી હતી. તેણે માત્ર 26 ઇનિંગ્સમાં 50 T20 વિકેટ લીધી હતી.
Published On - 8:11 am, Tue, 2 November 21