રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટીમના નવા લીડર ફાફ ડુ પ્લેસિસ પર એક મોટી વાત કહી છે. વિરાટ કોહલીએ કહ્યું કે ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plessis) ની મજબૂત નેતૃત્વ કૌશલ્યને કારણે ફ્રેન્ચાઇઝીએ તેને આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માટે કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો. કોહલી 2008 માં આઈપીએલની શરૂઆતથી આરસીબીનો હિસ્સો છે અને 2013થી ટીમનો ફુલ ટાઈમ કેપ્ટન હતો. તેણે ગયા વર્ષે આઈપીએલ બાદ કેપ્ટનશીપ છોડી દીધી હતી. RCBનું નેતૃત્વ હવે ચાર વખતના IPL વિજેતા ડુ પ્લેસિસ કરશે, જેને ગયા મહિને મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીએ રૂ. 7 કરોડમાં ખરીદ્યો હતો.
કોહલીએ RCBના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું, ‘ઓક્શનમાં ફાફની પસંદગી કરવી, અમારી યોજના એકદમ સ્પષ્ટ હતી. અમને એક એવા કેપ્ટનની જરૂર હતી જેનું ખૂબ સન્માનીય હોય. તેણે કહ્યું, ‘તે ટેસ્ટ કેપ્ટન રહી ચુક્યો છે અને તે ખૂબ જ સન્માનિત ક્રિકેટર છે. અમે આરસીબીમાં તેના નેતૃત્વને લઈને ઉત્સાહિત છીએ. તે તેની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવશે.
કોહલીએ કહ્યું, ‘ડુપ્લેસી સાથે અમારા બધાના ખૂબ સારા સંબંધો છે. મને ખાતરી છે કે મેક્સી (ગ્લેન મેક્સવેલ), દિનેશ કાર્તિક અને અન્ય તમામ સાથી ખેલાડીઓ તેમના નેતૃત્વમાં આ ટુર્નામેન્ટનો આનંદ માણશે.’ કોહલીએ સોમવારે આરસીબીના પ્રેક્ટિસ કેમ્પમાં હાજરી આપી હતી. ભારતીય બેટિંગ લેજેન્ડે અગાઉ કહ્યું હતું કે તેણે આરસીબીની કેપ્ટનશીપમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો કારણ કે તે તેના વર્કલોડને સંચાલિત કરવા માંગતો હતો. તેણે કહ્યું, ‘આ અવિશ્વસનીય છે કે આઈપીએલે આટલી લાંબી સફર પૂર્ણ કરી છે. હું અહીં નવી ઉર્જા સાથે છું કારણ કે હું ઘણી જવાબદારીઓ અને ફરજોથી મુક્ત છું.
તમને જણાવી દઈએ કે ફાફ ડુ પ્લેસિસ માટે કેપ્ટનશીપ નવી વાત નથી. તેણે વર્ષોથી દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કર્યું છે અને T20 ક્રિકેટમાં તેની જીતની ટકાવારી 60 થી વધુ છે. ધોનીની સાથે તે ચેન્નાઈ સુપર કિંગ્સની રણનીતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવતો હતો. દીપક ચહરે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ધોની અને ડુપ્લેસી હંમેશા કોઈ મુદ્દા પર કલાકો સુધી ચર્ચા કરે છે. ડુ પ્લેસિસ માત્ર કેપ્ટનશીપથી જ નહીં પરંતુ બેટથી પણ અજાયબી કરે છે. છેલ્લી IPL સિઝનમાં આ બેટ્સમેને 633 રન બનાવીને ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવ્યું હતું. ઓરેન્જ કેપ જીતનાર ગાયકવાડથી ડુ પ્લેસિસ માત્ર 2 રન પાછળ હતો.
Published On - 4:09 pm, Tue, 22 March 22