
ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે ફરી એકવાર ટક્કર જામનારી છે. પાકિસ્તાને શુક્રવારે રાત્રે હોંગકોંગને હરાવતાં જ એશિયા કપ-2022 ના સુપર-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. અને આ સાથે જ નક્કી થયું કે ભારત (Indian Cricket Team) ફરી એકવાર પાકિસ્તાનનો સામનો કરશે. આ બંને ટીમો 28 ઓગસ્ટે જ ટકરાઈ હતી, પરંતુ હવે ફરી એકવાર આ બંને ટીમો ટક્કર માટે તૈયાર છે. આ મેચ પહેલા વિરાટ કોહલી (Virat Kohli) એ ખાસ તૈયારી કરી લીધી છે.
વિરાટ કોહલી આ સમયે સારા ફોર્મમાં નથી ચાલી રહ્યો પરંતુ આ ખેલાડીની ફિટનેસ આજે પણ ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. કોહલીએ ટીમ ઈન્ડિયામાં ફિટનેસને એક નવા આયામ પર લઈ ગયો છે. તેની ગણતરી વર્તમાન યુગના સૌથી ફિટ ખેલાડીઓમાં થાય છે. પાકિસ્તાન સામેની મેચ પહેલા કોહલીએ પ્રેક્ટિસમાં ઘણો પરસેવો પાડ્યો હતો અને આ દરમિયાન તે ખાસ રીતે ડ્રીલ કરતો જોવા મળ્યો હતો.
કોહલી પ્રેક્ટિસ સેશન દરમિયાન સ્પ્રિન્ટ કરી રહ્યો હતો અને આ દરમિયાન તે માસ્ક પહેરીને દોડતો જોવા મળ્યો હતો. કોહલીનો આ માસ્ક હાઈ એલ્ટિટ્યુડ માસ્ક હતો, જેમાં ઓક્સિજનનો પુરવઠો ખૂબ જ મર્યાદિત માત્રામાં જાય છે અને ફેફસાં સુધી પહોંચે છે. સામાન્ય રીતે, પર્વતો પર જનારાઓને આવા માસ્ક પહેરવાનું કહેવામાં આવે છે. વિરાટે દોડતી વખતે આ માસ્ક પહેર્યો હતો અને સ્પ્રિન્ટ પૂરી થયા બાદ તેને ઉતારી લીધો હતો. આ દરમિયાન ટીમનો ફિઝિકલ ટ્રેનર સોહમ દેસાઈ તેની સાથે હતો અને કોહલીને માર્ગદર્શન આપી રહ્યો હતો.
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચમાં કોહલી પાકિસ્તાન સામે કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 35 રન બનાવવામાં સફળ રહ્યો હતો પરંતુ તે બિનજરૂરી શોટ રમીને આઉટ થયો હતો. જોકે હોંગકોંગ સામે કોહલીનું બેટ ચાલ્યુ હતું અને તે અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. કોહલીએ લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાને આશા હશે કે કોહલીનું બેટ પાકિસ્તાન સામે જાય અને તે બીજી શાનદાર ઈનિંગ્સ રમીને પોતાની ગતિ જાળવી રાખે. કોહલીએ આ એશિયા કપ પહેલા બ્રેક લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝ ટૂર પર નથી ગયો જ્યાં ટીમ ઈન્ડિયાએ વનડે અને ટી20 સિરીઝ રમી હતી. આ પછી તે ઝિમ્બાબ્વે પ્રવાસ પર પણ ગયો ન હતો.
Published On - 11:07 am, Sat, 3 September 22