આજે IPL 2023માં લીગ મેચો સમાપ્ત થશે. સિઝનમાં લીગ તબક્કાની આજે છેલ્લી બે મેચ રમાશે. આજના ડબલ હેડર મુકાબલામાં પહેલી મેચમાં મુંબઈ અને હૈદરાબાદની ટક્કર થશે, જ્યારે બીજા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સાંજે મેચ રમાશે. આ પછી 23 મેથી પ્લેઓફ મેચો રમાશે. આજના બંને મુકાબલાના પરિણામ બાદ ટોપ-4 ટીમો નક્કી થશે એવામાં હવામાન વિભાગ દ્વારા RCB અને ગુજરાત વચ્ચેની મેચમાં વરસાદની આગાહી કરવામાં આવતા પ્લેઓફમાં પહોંચવાની બેંગ્લોરની આશાને મોટો ઝટકો લાગી શકે છે.
આ પણ વાંચો : IPL 2023 KKR vs LSG Live Score Highlights: કોલકાતા રોમાંચક મેચમા 1 રનથી હાર્યુ, લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફમાં પહોંચ્યુ
આજના બીજા મુકાબલામાં બેંગ્લોર અને ગુજરાત વચ્ચેની મેચ દરમિયાન હવામાન વિભાગ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બેંગલોરમાં આજે સાંજે 60 થી 70 ટકા વરસાદની સંભાવના છે. બેંગ્લોરના હવામાનમાં બપોરે 1 વાગ્યા બાદ બદલાવ જોવા મળશે અને મેચ દરમિયાન આશરે 70 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બેંગલોરમાં આજે લઘુત્તમ 23 અને મહત્તમ 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. એવામાં મેચ શરૂ થયા બાદ વાતાવરણ કેવું રહે છે એના પર વરસાદની સંભાવના રહેશે.
બેંગ્લોર અને ગુજરાત વચ્ચેની મેચમાં જો વરસાદ પડશે અને મેચ રદ્દ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં બેંગ્લોરના 15 પોઈન્ટ થશે, પરંતુ જો મુંબઈ ઈન્ડિયન્સ તેની છેલ્લી લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવશે તો તે 16 પોઈન્ટ સાથે મુંબઈ પ્લેઓફમાં ક્વોલિફાય કરશે અને જો હૈદરાબાદની ટીમ મુંબઈને હરાવશે તો મેચ રદ્દ થવા છતાં RCB 15 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પોતાનું ક્વોલિફાય કરી લેશે.
IPL 2023માં હાલ પોઈન્ટ ટેબલમાં ત્રણ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય કરી ચૂકી છે, જ્યારે ચાર ટીમો પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગઈ છે, એવામાં ત્રણ ટીમો વચ્ચે એક સ્થાન માટે રેસ જામી છે, જેમાં બેંગ્લોર, મુંબઈ અને રાજસ્થાન વચ્ચે સ્પર્ધા છે. ત્રણેય ટીમોના હાલ 14 પોઈન્ટ છે. મુંબઈ અને બેંગ્લોરની એક-એક મેચ બાકી છે જ્યારે રાજસ્થાનની મેચો પૂર્ણ થઈ ગઈ છે. RCB અત્યારે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. બેંગ્લોરનો નેટ રન રેટ મુંબઈ ઈન્ડિયન્સ કરતા ઘણો સારો છે. એવામાં એક જીત સાથે બેંગ્લોર ક્વોલિફાય કરી શકે છે. જ્યારે મુંબઈને મોટા માર્જિનથી જીત જરૂરી છે.