વિરાટ કોહલીએ કબૂલ્યું, માનસિક રીતે પરેશાન હતો, 1 મહિનાથી બેટ પકડ્યું ન હતું

વિરાટ કોહલી લાંબા સમયથી રનો માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તેનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય છે. કોહલીએ હવે જણાવ્યું છે કે તે કયા તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો.

વિરાટ કોહલીએ કબૂલ્યું, માનસિક રીતે પરેશાન હતો, 1 મહિનાથી બેટ પકડ્યું ન હતું
Virat Kohli has been struggling with form for a long time
| Edited By: | Updated on: Aug 27, 2022 | 1:38 PM

વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલી (Virat Kohli) એશિયા કપમાંથી (Asia Cup) ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. કોહલી ભારત તરફથી છેલ્લી ત્રણ શ્રેણીમાં રમ્યો ન હતો અને હવે તે સીધો એશિયા કપમાં મેદાન પર ઉતરશે. તે બ્રેક પર ગયો હતો. આ કારણે તે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયો ન હતો. એશિયા કપ-2022માં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન (Pakistan) સામે રવિવાર 28 ઓગસ્ટે રમાશે. કોહલી આ મેચમાંથી વાપસી કરશે અને આશા રાખવામાં આવશે કે તે તેના ફોર્મમાં પાછો ફરે. આ પહેલા કોહલીએ પોતાના વિશે કેટલાક ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે તે માનસિક રીતે કયા તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. વિરાટ કોહલીએ 2019 થી સદી ફટકારી નથી. હાલના સમયમાં તેના માટે અડધી સદી સુધી પહોંચવું પણ મુશ્કેલ બની રહ્યું છે. તે પીચ પર સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શકતો નથી. આવી સ્થિતિમાં એશિયા કપમાંથી કોહલી પોતાના રંગમાં પરત ફરે તેવી ક્રિકેટ ચાહકોને આશા છે.

 

બેટને એક મહિના સુધી હાથમાં લીધુ નથી

આ મેચ અગાઉ એશિયા કપના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કોહલીએ કહ્યું કે તેણે છેલ્લા એક મહિનાથી બેટ પકડ્યું ન હતું. તેણે કહ્યું કે તે ખૂબ જ થાક અનુભવી રહ્યો હતો. કોહલીએ કહ્યું, “10 વર્ષમાં પહેલીવાર મેં એક મહિના સુધી મારું બેટ પકડ્યું ન હતું. મને ખબર પડી કે હું છેલ્લા કેટલાક સમયથી ખોટી રીતે મારી ઇન્ટેનસિટી જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું મારી જાતને ખાતરી આપતો હતો કે મારી પાસે એટલી ઇન્ટેનસિટી છે, પરંતુ તમારું શરીર તમને રોકાવા માટે કહે છે. મારું મગજ મને વિરામ લેવા અને આરામ કરવા કહેતું હતું.”

દરેક વસ્તુની એક સીમા હોય છે

કોહલીએ કહ્યું કે તે માનસિક રીતે ખૂબ જ મજબૂત છે પરંતુ દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. તેણે કહ્યું, “મને એવી વ્યક્તિ તરીકે માનવામાં આવે છે જે માનસિક રીતે ખૂબ જ મજબૂત છે અને હું છું. પરંતુ દરેક વ્યક્તિની એક મર્યાદા હોય છે અને તમારે તે મર્યાદાને ઓળખવાની જરૂર હોય છે નહીં તો વસ્તુઓ ખોટી થઈ જાય છે. આ સમય મને ઘણું શીખવી ગયો. જે બાબતો સામે આવી રહી ન હતી મેં તેમનો સ્વીકાર કર્યો છે.”

માનસિક રીતે હેરાન હતો

કોહલીએ સ્વીકાર્યું કે તે માનસિક રીતે હેરાન હતો. કોહલીએ કહ્યું, મને એ વાત સ્વીકારવામાં કોઈ વાંધો નથી કે હું માનસિક રીતે પરેશાન હતો. આ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ આપણે બોલતા નથી કારણ કે આપણે સંકોચ અનુભવીએ છીએ. આપણે માનસિક રીતે નબળા ગણાવા માંગતા નથી.

Published On - 1:37 pm, Sat, 27 August 22