ઇન્ડિયન પ્રીમિયર લીગની 36મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે જોરદાર મુકાબલાની આશા છે. બંને ટીમો વચ્ચે જબરદસ્ત મેચ જોવા મળશે અને આ પહેલા જ્યારે બંને ટીમો નેટસમાં જબરદસ્ત પ્રેક્ટીસ કરી રહી છે તે પહેલા આરસીબીના બે મેચ વિનર એકબીજા સાથે લડી પડયા હતા. વાત થઇ રહી છે વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની જે નેટ્સમાં લડી પડ્યા હતા. ફેન્સએ ચિંતા કરવાની જરૂર નથી આ કોઇ અસલ લડાઇ નહી પણ બોલ અને બેટ વચ્ચેની ફાઇટની વાત છે.
કોલકત્તા નાઇટ રાઇડર્સ સામેની મેચ પહેલા વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજે નેટ્સમાં જોરદાર પરસેવો પાડયો હતો. બંને ખેલાડીઓએ પોતાની સ્કિલ્સને વધુ ધારદાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જ તૈયારી વચ્ચે બંને ખેલાડી એક બીજા સામે પ્રેક્ટીસ કરતા નજરે પડયા હતા. આરસીબીએ સોશિયલ મીડિયા પર આ જંગનો વીડિયો પોસ્ટ કર્યો હતો.
વિરાટ કોહલી મોહમ્મદ સિરાજ સામે પહેલા ઘણી મુશ્કેલીમાં દેખાયો હતો. સિરાજે પહેલા તેને આઉટ સ્વિંગ પર આઉટ કર્યો હતો અને પછી તેની એક ઇન સ્વિંગ બોલ પર વિરાટ કોહલી બીટ થયો હતો. પોતે વિરાટ કોહલીએ એવો રિએક્શન આપ્યો હતો કે તેને સિરાજની આ બોલની સમજ પડી ન હતી અને તેની પાસે આ બોલનો કોઇ જવાબ ન હતો.
સિરાજે વિરાટને જરૂરથી મુશ્કેલીમાં મુક્યો હતો પણ તે પછી વિરાટે જોરદાર શોટ્સ નેટ્સમાં ફટકાર્યા હતા. વિરાટે સિરાજની બોલિંગ પર તોફાની બેટિંગ કરી હતી. કટ, પુલ, ડ્રાઇવ્સ દરેક પ્રકારના શોટ્સ માર્યા હતા. સિરાજ વીડિયોમાં જણાવે છે કે જ્યા સુધી બોલ નવો હતો ત્યા સુધી તેને મદદ મળી પણ જેમ જ બોલ જુનો થયો વિરાટે મેદાનની ચારે બાજુ શોટ્સ માર્યા હતા. સિરાજે માન્યું કે જૂના બોલ પર વિરાટને રોકવો અત્યંત કઠિન છે.
આઇપીએલ 2023માં વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. સિરાજે 7 મેચમાં 13 વિકેટ ઝડપી છે. જ્યારે વિરાટે 46 થી વધુની એવરેજ સાથે 279 રન કર્યા છે. આરસીબીની ટીમના આ બંને ખેલાડીઓ આવા જ ઉતકૃષ્ટ પ્રદર્શનની આશા રાખી રહ્યા છે. ખાસ કરીને કેકેઆર સામે જેણે ગત મેચમાં આરસીબીને 81 રનથી માત આપી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…