Virat Kohli
ભારતીય ક્રિકેટમાં પરિવર્તનનો પવન ફૂંકાવા લાગ્યો છે અને તેની શરૂઆત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ કરી છે. તમામ ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા કોહલીએ આખરે એક ફોર્મેટમાં આ જવાબદારી છોડવાનો નિર્ણય કર્યો છે. ગુરુવાર, 16 સપ્ટેમ્બર, કોહલીએ T20 ફોર્મેટમાં ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો. કોહલી આગામી મહિને UAE માં શરૂ થનારા T20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ આ ફોર્મેટમાં આ જવાબદારી છોડી દેશે.
વિરાટ કોહલીના આ નિર્ણય પાછળ ICC ટ્રોફી જીતવામાં તેની નિષ્ફળતા સૌથી મોટું કારણ છે. જો કે, આ હોવા છતાં, આ ફોર્મેટમાં કેપ્ટન તરીકે વિરાટનો ખૂબ જ સારો રેકોર્ડ છે. ટીમ ઈન્ડીયા (Team India) એ તેમના નેતૃત્વમાં ઘણી મેચ જીતી અને વિરાટે પોતે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું.
2017 માં વનડે અને T20 ટીમોનો હવાલો સંભાળનાર કોહલીએ અત્યાર સુધી કોઇ મોટી T20 ટૂર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું નથી. આવી સ્થિતીમાં, T20 વર્લ્ડ કપ આ સંદર્ભે તેની પ્રથમ અને છેલ્લી ટુર્નામેન્ટ હશે. કોહલી વિશ્વના એવા કેટલાક કેપ્ટનોમાંના એક છે જેમની જીત-હારની ટકાવારી ઘણી વધારે છે. એટલું જ નહીં, વન-ડે અને ટેસ્ટની જેમ બેટથી પણ કોહલીએ T20 માં રન બનાવ્યા છે, આમ તેણે પોતાનો દમ બતાવ્યો છે. આવી સ્થિતિમાં T20 માં કેપ્ટન તરીકે કોહલીના રેકોર્ડને જોવો પણ જરૂરી છે.
T20 કેપ્ટનશિપમાં વિરાટ કોહલીનો રેકોર્ડ
- કોહલીના નેતૃત્વમાં ભારતે 45 માંથી 27 મેચ જીતી હતી. બે મેચ ટાઈ રહી હતી જ્યારે બે મેચ રદ્દ કરવામાં આવી હતી. તેની જીતની ટકાવારી 65.11 છે, જે એમએસ ધોની (MS Dhoni) ના 58.33 ટકા કરતા વધારે છે.
- વિરાટ કોહલી એવા ખેલાડીઓમાં બીજા ક્રમે સૌથી સફળ કેપ્ટન છે. જેણે ઓછામાં ઓછી 40 મેચમાં કેપ્ટનશિપ કરી છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અસગર અફઘાન તેની આગળ છે, તેણે 52 માંથી 42 મેચ જીતી અને માત્ર 10 હારી. તેમની જીત-હારની ટકાવારી 80.77 ટકા છે.
- એટલું જ નહીં, વિરાટે કેપ્ટન તરીકે બેટિંગમાં પણ પોતાની પ્રતિભા દર્શાવી હતી. 45 મેચોમાં કેપ્ટન તરીકે, કોહલીએ 1502 રન બનાવ્યા હતા, જેમાં તેણે 48.45 ની સરેરાશથી રન બનાવ્યા હતા, જ્યારે તેણે આ રન 143.18 ની સ્ટ્રાઇક રેટથી બનાવ્યા હતા.
- આ સાથે, કોહલી એક કેપ્ટન તરીકે ટી 20 ફોર્મેટમાં સૌથી વધુ 50 થી વધુ સ્કોર બનાવનાર બેટ્સમેન છે. કોહલીએ 45 મેચમાં કેપ્ટનિંગ કરતી વખતે 12 વખત 50 કે તેથી વધુ સ્કોર બનાવ્યા હતા. તેના પછી પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (11) બીજા નંબરે છે.
- કોહલીના નેતૃત્વમાં ભારતે સેના દેશો એટલે કે દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં T20 શ્રેણી જીતી. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી T20 શ્રેણી પણ પોતાના નામે કરવામાં સફળ રહી હતી.
- કોહલીનો એકંદર T20 રેકોર્ડ શ્રેષ્ઠ છે. તેણે આ ફોર્મેટમાં 90 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તે 3159 રન સાથે ટોચ પર છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 139 રહ્યો છે, જ્યારે તેણે 52.65 ની જબરદસ્ત સરેરાશથી આ રન બનાવ્યા છે. ઉપરાંત, મહત્તમ 28 વખત તેણે 50 કે તેથી વધુનો આંકડો પાર કર્યો છે.
આ પણ વાંચોઃ Virat Kohli: કેપ્ટનશીપ છોડવા પર BCCI સચિવ જય શાહનો ખુલાસો, કહ્યુ-છ મહિનાથી ચાલી રહી હતી તૈયારી