વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) માં ઓપનર શિખર ધવન (Shikhar Dhawan) ની નબળી લય દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસ પહેલા ભારતીય પસંદગીકારો માટે ચિંતાનું કારણ બની શકે છે. પરંતુ યુવા ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) અને વેંકટેશ ઐયર (Venkatesh Iyer) ની ટીમમાં પસંદગી લગભગ નિશ્ચિત છે. BCCI (ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ પહેલા જ જાન્યુઆરીમાં રમાનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે આ ફોર્મેટના કેપ્ટન તરીકે રોહિત શર્મા (Rohit Sharma) ની નિમણૂક કરી દીધી છે, પરંતુ હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી.
50 ઓવરની સ્પર્ધા માટે બાયો-બબલ અને વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને પસંદગીકારો કેટલા ખેલાડીઓને ટીમમાં મૂકે છે તે જોવું રહ્યું. વિજય હજારે ટ્રોફીની વર્તમાન સિઝનમાં ગાયકવાડ અને ઐયરે અત્યાર સુધીમાં અનુક્રમે ત્રણ અને બે સદી ફટકારી છે. અય્યરે આ સમયગાળા દરમિયાન કેટલીક વિકેટો પણ લીધી છે, જે સ્પષ્ટ કરે છે કે તે ટીમના અગ્રણી ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાને પાછળ છોડી દેવા તૈયાર છે. એવું માનવામાં આવે છે કે કેએલ રાહુલ અને રોહિતની હાજરીમાં ઐય્યરને ઓપનર તરીકે ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બનશે.
આવી સ્થિતિમાં, ઐય્યરે પાંચમા કે છઠ્ઠા ક્રમ પર બેટિંગ કરતી વખતે ફિનિશરની ભૂમિકા ભજવવી પડશે. તેણે કેરળ સામે ચોથા નંબર પર બેટિંગ કરતી વખતે 84 બોલમાં 112 રન અને પછી પાંચમાં નંબર પર બેટિંગ કરતી વખતે 49 બોલમાં 71 રન બનાવીને સમાન ભૂમિકા ભજવી હતી. આ ક્રમને આગળ વધારતા રવિવારે તેણે 113 બોલમાં 10 સિક્સરની મદદથી 151 રનની ઇનિંગ રમી હતી.
BCCI ના એક સૂત્રએ નામ ન આપવાની શરતે સમાચાર સંસ્થાને જણાવ્યું કે, વેંકટેશ ચોક્કસપણે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યો છે. તે દરેક મેચમાં 9 કે 10 ઓવર બોલિંગ કરી રહ્યો છે અને હાર્દિક અસ્વસ્થ હોવાથી તેને તક આપવાનો આ સારો સમય છે. નવા ટીમ મેનેજમેન્ટે તેને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાની સલાહ આપીને યોગ્ય કર્યું. જો તે ઈજાગ્રસ્ત નહીં હોય, તો તે ચોક્કસપણે દક્ષિણ આફ્રિકા માટે ODI ટીમમાં હશે.
મહારાષ્ટ્રના સુકાની ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં IPL ની પોતાની ધમાકેદાર લય ચાલુ રાખીને પસંદગીકારોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ગાયકવાડે શ્રીલંકામાં બે T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી પરંતુ ODIમાં તેને તક મળી ન હતી. ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલમાં પણ તેને સ્થાન મળ્યું ન હતું કારણ કે રોહિત ટોચ પર બેટિંગ કરી રહ્યો હતો અને રાહુલ અને ઈશાન કિશન તેના ઓપનિંગ પાર્ટનર હતા. ગાયકવાડે મધ્યપ્રદેશ સામે 136, છત્તીસગઢ સામે અણનમ 154 અને કેરળ સામે સતત મેચોમાં 124 રન બનાવ્યા છે, જેને અવગણવા પસંદગીકારો માટે મુશ્કેલ હશે.
બીજી તરફ, ધવને આ સમયગાળા દરમિયાન શૂન્ય, 12, 14, 18 રનની ઇનિંગ્સ રમી છે. કોચ રાહુલ દ્રવિડે જે રીતે અજિંક્ય રહાણે અને ઈશાંત શર્મા જેવા સિનિયર ખેલાડીઓને ટેસ્ટ મેચ માટે તક આપી છે તે જોતા લાગે છે કે ધવનને પણ બીજી તક મળશે.
BCCI ના એક સૂત્રએ કહ્યું, છેલ્લી વખત જ્યારે ભારતે 50 ઓવરની સિરીઝ રમી ત્યારે ધવન ભારતનું નેતૃત્વ કરી રહ્યો હતો અને શ્રીલંકામાં પણ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેની પાસે લય મેળવવાની અને રન બનાવવાની ક્ષમતા છે. તેથી ગાયકવાડ ટીમમાં હોવો જોઈએ પરંતુ મને લાગે છે કે પસંદગીકારો ધવનને એક છેલ્લી તક આપી શકે છે.
Published On - 6:57 pm, Sun, 12 December 21